• ચેન્નાઈએ પંજાબ કિંગ્સને 28 રનથી હરાવ્યું
  • જાડેજા પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયો
  • તેણે બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કર્યું

IPL 2024ની 53મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સને 28 રનથી હરાવ્યું. આ સાથે CSKએ પંજાબ કિંગ્સ પાસેથી પાછલી હારનો બદલો પણ લઈ લીધો. હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાલા ખાતે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 43 રનની ઇનિંગ રમી હતી. તેમના સિવાય રૂતુરાજ ગાયકવાડે 32 અને ડેરીલ મિચેલે 30 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ કિંગ્સ આસાન લક્ષ્યાંકને હાંસલ કરી શકી ન હતી. PBKSએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 139 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓ ચેન્નાઈની જીતના હીરો હતા.

રવિન્દ્ર જાડેજા

ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. જાડેજાએ 165.38ના સ્ટ્રાઈક રેટથી 26 બોલમાં 43 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ પછી જાડેજાએ બોલિંગમાં પણ કમાલ કરી હતી. તેણે 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ પણ લીધી હતી અને તેની ઈકોનોમી માત્ર 5 હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

સિમરજીત સિંહ

ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેચમાં આવેલા સિમરજીત સિંહે મેચને પલટાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ફાસ્ટ બોલરોના અભાવથી પીડિત CSK માટે સિમરજીતે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 3 ઓવર ફેંકી અને 16 રન આપીને 2 વિકેટ લીધી હતી. સિમરજીતે જીતેશ શર્મા અને હર્ષલ પટેલને પોતાનો શિકાર બનાવ્યો હતો.

તુષાર દેશપાંડે

દીપક ચહર, મથિશા પથિરાના અને મુસ્તાફિઝુર રહેમાન જેવા ઝડપી બોલરોની ગેરહાજરીમાં તુષાર દેશપાંડેએ અદ્ભુત બોલિંગ કરી હતી. તેણે 8.8ની ઇકોનોમી સાથે 4 ઓવર ફેંકી અને 35 રન આપીને 2 વિકેટ લીધી. તેણે જોની બેરસ્ટો અને રિલે રૂસોને બોલ્ડ કરીને પંજાબના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો હતો. જ્યારે બેરસ્ટોએ 7 રન બનાવ્યા હતા, જ્યારે રૂસો ખાતું પણ ખોલી શક્યો નહોતો.

  • Follow us on: