ગેરી કર્સ્ટનના રાજીનામા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના નવા લિમિટેડ ઓવરોની ટીમના મુખ્ય કોચની જાહેરાત કરી છે. PCBએ આ જવાબદારી રેડ બોલ ક્રિકેટ કોચ જેસન ગિલેસ્પીને સોંપી છે. પીસીબીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.


પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 27 ઓક્ટોબર, રવિવારે મોહમ્મદ રિઝવાનના રૂપમાં તેની નવી મર્યાદિત ઓવરોની ટીમના કેપ્ટનની જાહેરાત કરી હતી. અગાઉ બોર્ડે આગામી ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમની પસંદગી કરી હતી.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કરી જાહેરાત

કોચની ઘોષણા અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટ્વિટર પર લખ્યું છે કે “પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આજે જાહેરાત કરી છે કે જેસન ગિલેસ્પી આવતા મહિને ઓસ્ટ્રેલિયાના મર્યાદિત ઓવરોના પ્રવાસ પર પાકિસ્તાન પુરૂષ ક્રિકેટ ટીમના કોચ હશે. "ગેરી કર્સ્ટને તેમનું રાજીનામું સુપરત કર્યું છે, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે."

 

ગેરી કર્સ્ટને આપ્યું રાજીનામું

તમને જણાવી દઈએ કે, આ વર્ષે ગેરી કર્સ્ટને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે બે વર્ષનો કરાર કર્યો હતો, પરંતુ માત્ર છ મહિનામાં જ તેને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગેરી કર્સ્ટનના કાર્યકાળ દરમિયાન ભારતે 2011નો વર્લ્ડ કપ જીત્યો હતો.

ગેરી કર્સ્ટન અને પીસીબી વચ્ચે અણબનાવ!

મીડિયા રિપોર્ટ મુજબ ગેરી કર્સ્ટન અને ખેલાડીઓ વચ્ચે તેમજ કોચિંગ સ્ટાફના નિર્ણયોને લઈને PCB સાથે ગંભીર મતભેદો ઉભા થયા છે. ગેરી કર્સ્ટને ઉચ્ચ પ્રદર્શન કોચ તરીકે ડેવિડ રીડની નિમણૂકની વિનંતી કરી હતી, જે PCBની પ્રાથમિકતાઓને અનુરૂપ ન હતી, જેના કારણે તણાવ થયો હતો. બોર્ડે કથિત રીતે વૈકલ્પિક દરખાસ્તો કરી હતી, જે ગેરી કર્સ્ટનને પસંદ ન હતી.


  • Follow us on: