- T20 વર્લ્ડકપ 2024માંથી પાકિસ્તાન બહાર થઈ ગઈ છે
- યુએસ ટીમ ગ્રુપ Aમાંથી સુપર 8માં પહોંચનારી બીજી ટીમ
- ખરાબ પ્રદર્શન બાદ ખેલાડીઓના પગારમાં થઈ શકે છે કાપ
પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડકપ 2024ના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ જશે તે નિશ્ચિત છે. અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચે 14 જૂને ફ્લોરિડાના મેદાન પર મેચ રમાવાની હતી પરંતુ વરસાદના કારણે તે રદ્દ થઈ ગઈ હતી, જેના કારણે અમેરિકી ટીમે આગલા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી હતી. હવે, ટીમના ખરાબ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઘણા મોટા નિર્ણયો લઈ શકે છે, જેમાંથી એક ખેલાડીઓના પગારમાં કાપ સાથે સંબંધિત છે.
ખેલાડીઓના પગારમાં કાપ
T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાનની ટીમ ભારતની સાથે ગ્રુપ Aનો ભાગ છે જેમાં દરેકને આશા હતી કે તે સુપર-8માં પહોંચશે, પરંતુ યુએસએ સામેની મેચમાં તેને સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ ટીકાનો સામનો કરી રહ્યું છે ત્યારે તે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ ખેલાડીઓના પગારની સમીક્ષા કરવાનો અને તેમના પગારમાં કાપ મૂકવાનો પણ નિર્ણય લઈ શકે છે.
એક અહેવાલમાં અનુસાર બોર્ડના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાક અધિકારીઓ અને ભૂતપૂર્વ ખેલાડીઓએ PCBના અધ્યક્ષ મોહસિન નકવીને કેન્દ્રીય કરારની સમીક્ષા કરવાની સલાહ આપી છે. જો PCB અધ્યક્ષ ટીમના ખરાબ પ્રદર્શન પર કડક વલણ અપનાવે છે, તો ખેલાડીઓના કેન્દ્રીય કરારની સમીક્ષા કરવામાં આવી શકે છે અને તેમના પગારમાં કાપ મુકવામાં આવી શકે છે.
T20 રેન્કિંગમાં પણ પાછળ
બાબર આઝમની કપ્તાનીમાં પાકિસ્તાનની ટીમે વર્ષ 2022માં રમાયેલા T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ રમી હતી, પરંતુ આ વખતે તેના નેતૃત્વમાં ટીમ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ છે. હવે પાકિસ્તાનની ટીમને ICC T20 ટીમ રેન્કિંગમાં પણ મોટું નુકસાન થયું છે જેમાં તે હવે 7માં સ્થાને પહોંચી ગઈ છે. પાકિસ્તાની ટીમનું અત્યાર સુધીના કોઈપણ T20 વર્લ્ડકપમાં આ સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે.