• ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થશે
  • PCB ફંડ માટે તેના ઈન્ટરનેશનલ રાઈટ્સ વેચવા માગે છે
  • બ્રોડકાસ્ટર્સ તેની અડધી કિંમત પણ ચૂકવવા તૈયાર નથી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મુશ્કેલીઓનો અંત આવી રહ્યો નથી. બોર્ડ હજુ ટીમને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે તેના માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. જેના કારણે બોર્ડમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવા જઈ રહ્યું છે. ટીમના ખેલાડીઓ સતત પગાર વધારવાની માંગ કરી રહ્યા છે. આ તમામ બાબતો માટે નાણાંની જરૂર છે, હાલમાં બોર્ડ ફંડ માટે સંઘર્ષ કરી રહ્યું છે. PCB ફંડ માટે તેના ઈન્ટરનેશનલ રાઈટ્સ વેચવા માંગતું હતું, પરંતુ કોઈ તેને ખરીદવા તૈયાર નથી.

બોર્ડની છબીને નુકસાન પહોંચ્યું

પાકિસ્તાની એક અહેવાલ અનુસાર, PCB છેલ્લા 3 વર્ષથી પાકિસ્તાન ક્રિકેટ ટીમની મેચોના ઈન્ટરનેશનલ રાઈટ્સ વેચવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ માટે તેણે ઘણો સંઘર્ષ કરવો પડે છે. બોર્ડે બિડને ઘણી વખત રદ કરી દીધી છે કારણ કે બ્રોડકાસ્ટર્સ તેણે મુકેલી કિંમતનો અડધો ભાગ પણ ચૂકવવા તૈયાર નથી. પાકિસ્તાનની મેચના રાઈટ્સ ના વેચવાના ઘણા કારણો આપવામાં આવ્યા છે. ટીમના સતત કથળતા પ્રદર્શનને તેનું સૌથી મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બોર્ડમાં સતત ચેરમેન અને અન્ય અધિકારીઓને બદલવાથી પણ બોર્ડની છબીને નુકસાન પહોંચ્યું છે.

ચેમ્પિયન્સ ટ્રોફી પર મોટો સવાલ

અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું ભારતીય ટીમ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે. આ મુદ્દે નિવેદનો આવી રહ્યા છે, જોકે ICC, PCB અને BCCIએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયા એશિયા કપ જેવા હાઈબ્રિડ મોડલ હેઠળ ફરી એકવાર ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માંગે છે. તે સમયે પણ યજમાન પાકિસ્તાન હતું પરંતુ ટીમ ઈન્ડિયા તેની મેચો શ્રીલંકામાં રમી હતી. ફાઈનલ પણ કોલંબોમાં યોજાઈ હતી.

  • Follow us on: