• ફૂટબોલના લેજેન્ડ પેલેએ આર્જેન્ટિનાને અભિનંદન પાઠવ્યા
  • ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી લખ્યો વિશેષ સંદેશ
  • મેસ્સી-એમ્બાપ્પેને શુભકામના પાઠવી, 'મેરાડોનાને યાદ કર્યો

આર્જેન્ટિનાએ FIFA વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીતી લીધો છે. ફ્રાન્સ સામેની અંતિમ મેચમાં આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી જીત મેળવી હતી. ફૂટબોલના લેજેન્ડ પેલેએ આ ઐતિહાસિક જીત પર આર્જેન્ટિનાને અભિનંદન પાઠવ્યા હતા.


હોસ્પિટલમાં દાખલ પેલેએ વર્લ્ડકપ ફાઈનલ નિહાળી

બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલેએ આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. આ સાથે તેણે ફાઇનલમાં હેટ્રિક ફટકારવા બદલ ફ્રાન્સના કિલિયન એમબાપ્પેને પણ અભિનંદન પાઠવ્યા હતા. ખેલાડી તરીકે ત્રણ વખત વર્લ્ડ કપ જીતનાર પેલે હાલમાં શ્વાસ સંબંધી સમસ્યાઓની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે.

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી

તેણે કતારના લુસેલ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં આર્જેન્ટિનાની ફ્રાન્સ સામે પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી જીત મેળવ્યા બાદ પોતાનો સંદેશ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. વધારાના સમય બાદ આર્જેન્ટિના અને ફ્રાન્સ 3-3 થી બરાબરી પર રહ્યા બાદ શૂટ આઉટનો સહારો લેવામાં આવ્યો હતો.


મેસ્સી-એમ્બાપ્પેને શુભકામના પાઠવી

લિજેન્ડ પેલેએ કહ્યું, 'ફૂટબોલે આજે ફરી એક રસપ્રદ રીતે તેની વાર્તા કહી. મેસ્સીએ તેનો પ્રથમ વિશ્વ કપ જીત્યો, જેનો તે સંપૂર્ણ હકદાર હતો. મારા પ્રિય મિત્ર એમ્બાપ્પેએ ફાઇનલમાં ચાર ગોલ (પેનલ્ટી શૂટઆઉટ સહિત) કર્યા. ફૂટબોલના ભવિષ્ય માટે આ શાનદાર પ્રદર્શન જોવું કોઈ ભેટથી ઓછું ન હતું.

ડિએગો મેરાડોનાને યાદ કર્યા

લિયોનેલ મેસ્સીએ મેચમાં બે ગોલ કર્યા હતા, જ્યારે ફ્રાન્સના ત્રણેય ગોલ કીલિયન એમ્બાપ્પેએ કર્યા હતા. પેલેએ સેમીફાઇનલમાં સ્થાન મેળવનાર પ્રથમ આફ્રિકન રાષ્ટ્ર મોરોક્કોને પણ અભિનંદન પાઠવ્યા હતા અને આર્જેન્ટિનાના દિગ્ગજ ડિએગો મેરાડોનાને યાદ કરીને તેમના સંદેશનો અંત કર્યો હતો. પેલેએ લખ્યું, 'અભિનંદન આર્જેન્ટિના. ચોક્કસ ડિએગો ખૂશ હશે.


અત્યાર સુધીની સૌથી રોમાંચક ફાઇનલ

FIFA વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મેચની વાત કરીએ તો આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની આ મેચને અત્યાર સુધીની સૌથી રોમાંચક ફાઇનલ કહેવામાં આવી રહી છે. બંને ટીમો વચ્ચેનો મુકાબલો 3-3ની બરાબરી પર સમાપ્ત થયો હતો, ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટ સુધી મુકાબલો ચાલ્યો. જ્યાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને 4-2થી હરાવ્યું હતું.

  • Follow us on: