વડાપ્રધાન નરેન્દ્ર મોદી 45માં ચેસ ઓલિમ્પિયાડના ભારતીય વિજેતાઓને મળ્યા. વિજેતા ચેસ ખેલાડીઓને મળતા તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદી વિજેતા ચેસ ખેલાડીઓને મળ્યા હતા અને તેમને અભિનંદન પાઠવ્યા હતા અને આ ઐતિહાસિક સિદ્ધિની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ તેમના નિવાસસ્થાન 7, લોકકલ્યાણ માર્ગ પર આ બેઠકને અનોખી અને યાદગાર ગણાવી છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું, 'મને લાગે છે કે દરેક ક્ષેત્ર અને કાર્યક્ષેત્રમાં નિપુણતા અને કુશળતાને કારણે દેશ સમૃદ્ધ બને છે. આ દેશને મહાન બનાવે છે. કંઈક નવું કરવાની, કંઈક બીજું કરવાની ભૂખ આપણી અંદર હોવી જોઈએ.
ચેસ ચેમ્પિયન્સને પીએમ મોદીએ પૂછ્યો એક સવાલ
PM એ ચેસની રમતને સુધારવા માટે AI ના ઉપયોગ પર ચેસ ચેમ્પિયન્સ પાસેથી એક સવાલ પૂછ્યો, જેના જવાબમાં ચેસના ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનન્ધાએ કહ્યું કે 'ચેસ એ AI સાથે વિકસિત થઈ છે. નવી ટેક્નોલોજી છે અને કોમ્પ્યુટર ચેસમાં નવા આઈડિયા આપી રહ્યા છે. હરિકા દ્રોણાવલ્લી કહે છે, “અમારા હરીફો પણ અમારા માટે ખૂબ ખુશ હતા. ચેસ ગ્રાન્ડમાસ્ટર વિદિત ગુજરાતી કહે છે, “છેલ્લા કેટલાક વર્ષોમાં, પ્રેક્ષકોએ અમને ટેકો આપવાનું શરૂ કર્યું છે. ઈન્ટરનેશનલ માસ્ટર તાનિયા સચદેવ કહે છે, 'આ વખતે અમે ગોલ્ડ મેડલ જીતવા માટે ખૂબ જ પ્રેરિત અને સંકલ્પબદ્ધ હતા.'
વડાપ્રધાન મોદીને ચેસ બોર્ડની આપી ભેટ
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં આર. વૈશાલી, ડી હરિકા, તાનિયા સચદેવ, વિદિત ગુજરાતી, અર્જુન એરિગેસી અને પ્રજ્ઞાનંદ પીએમ મોદી સાથે વાત કરતા જોઈ શકાય છે. આ વાતચીત દરમિયાન ચેસ ખેલાડીઓએ વડાપ્રધાન મોદીને ચેસ બોર્ડની ભેટ પણ આપી હતી. આ દરમિયાન ચેસની રમત પણ રમાઈ હતી. વડાપ્રધાન મોદીએ આ દાવ જોયો.
ભારતીય પુરૂષ અને મહિલા બંને ટીમોએ જીત્યો ગોલ્ડ મેડલ
હંગેરીના બુડાપેસ્ટમાં ચેસ સ્પર્ધામાં ભારતીય પુરૂષ અને મહિલા બંને ટીમોએ ગોલ્ડ મેડલ જીત્યા છે. મેન્સ ટીમે 22માંથી 21 પોઈન્ટ મેળવ્યા હતા. ચેસ ઓલિમ્પિયાડના 97 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય ખેલાડીઓએ ગોલ્ડ જીત્યો છે. મેન્સ ટીમમાં અમેરિકાએ સિલ્વર અને ઉઝબેકિસ્તાને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે મહિલા ટીમે 19 પોઈન્ટ મેળવ્યા હતા. મહિલાઓમાં દિવ્યા દેશમુખે ત્રીજા અને વંતિકા અગ્રવાલે ચોથા બોર્ડ પર ગોલ્ડ જીત્યો હતો. પૂર્વમાં વર્ષ 2014 તેમજ 2022 માં, પુરુષોની ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો જ્યારે મહિલા ટીમે 2022 માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.