આ દિવસોમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે છે, જ્યાં 2 ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ રહી છે. ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે 280 રનના વિશાળ અંતરથી જીત મેળવીને પોતાના WTC અભિયાનને આગળ વધાર્યું હતું. બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે. જો કે આ મેચ પહેલા સ્ટેડિયમની બહાર બાંગ્લાદેશી ટીમનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.


ભારત-બાંગ્લાદેશ મેચ પહેલા હોબાળો

થોડા દિવસો પહેલા બાંગ્લાદેશથી હિન્દુઓ પર અત્યાચારના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ ભારતમાં પણ ઘણી જગ્યાએ બાંગ્લાદેશ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. 27 સપ્ટેમ્બરે અખિલ ભારતીય હિંદુ મહાસભાના સભ્યો કાનપુર સ્ટેડિયમની બહાર બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચનો વિરોધ કરી રહ્યા હતા.

ગ્રાઉન્ડના ગેટ નંબર 10 Bની સામે મોટી સંખ્યામાં લોકો ટ્રાફિકને રોકીને હવન કરી રહ્યા હતા, જેના કારણે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. હિંદુ મહાસભાના 20 સભ્યો વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે. કાનપુરના એડિશનલ પોલીસ કમિશનર હરીશ ચંદરે પણ પૂરતા પ્રમાણમાં પોલીસ ફોર્સની માંગ કરી છે.

ગ્વાલિયર બંધ રાખવાની જાહેરાત

કાનપુર ઉપરાંત ગ્વાલિયરમાં પણ હિન્દુ મહાસભાના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમ 2 ટેસ્ટની સિરીઝ બાદ 3 મેચની T20 સીરિઝ રમશે, T20 મેચ 6 ઓક્ટોબરે ગ્વાલિયરમાં રમાવાની છે. હિન્દુ મહાસભાએ ભારત-બાંગ્લાદેશ ક્રિકેટ મેચનો વિરોધ કર્યો છે અને 6 ઓક્ટોબરે ગ્વાલિયર બંધ રાખવાની જાહેરાત પણ કરી છે. જો કે, આ સમયગાળા દરમિયાન આવશ્યક વસ્તુઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. હાલમાં BCCIએ T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી નથી. જોકે, ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં આગામી સિરીઝમાં ભાગ લેવાની છે.


  • Follow us on: