UAEમાં અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ અફઘાનિસ્તાને જીતી હતી, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાઉથ આફ્રિકા સામેની તેની પ્રથમ જીત હતી. હવે અફઘાનિસ્તાને બીજી મેચમાં પણ જોરદાર પ્રદર્શન કર્યું છે. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી વનડેમાં અફઘાનિસ્તાને 300 રનનો આંકડો પાર કર્યો. આ દરમિયાન 22 વર્ષના ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝે સદી ફટકારી હતી.
રહેમાનુલ્લા ગુરબાઝે ઐતિહાસિક સદી ફટકારી હતી
સાઉથ આફ્રિકા સામેની આ મેચમાં રહેમાનુલ્લા ગુરબાઝે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 110 બોલમાં 105 રન બનાવ્યા જેમાં 10 ફોર અને 3 સિક્સ સામેલ હતી. રહેમાનુલ્લા ગુરબાઝ માટે આ સદી ઘણી રીતે ખાસ હતી. ODI ક્રિકેટમાં આ તેની 7મી સદી છે, આ સાથે તે અફઘાનિસ્તાન માટે ODIમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે મોહમ્મદ શહજાદનો રેકોર્ડ તોડ્યો. મોહમ્મદ શહઝાદે અફઘાનિસ્તાન માટે વનડેમાં 6 સદી ફટકારી છે.
બાબર આઝમને છોડ્યો પાછળ
રહેમાનુલ્લા ગુરબાઝે 22 વર્ષની ઉંમરમાં સૌથી વધુ વનડે સદી ફટકારવામાં પાકિસ્તાનના બાબર આઝમને પાછળ છોડી દીધા છે. બાબર આઝમે 22 વર્ષની ઉંમરે 6 ODI સદી ફટકારી હતી, તેથી રહેમાનુલ્લા ગુરબાઝ હવે તેના કરતા આગળ નીકળી ગયો છે. આ સાથે જ રહેમાનુલ્લા ગુરબાઝે આ યાદીમાં વિરાટ કોહલીની બરાબરી કરી લીધી છે. વિરાટે 22 વર્ષની ઉંમરમાં માત્ર 7 ODI સદી ફટકારી હતી. જો કે રહેમાનુલ્લા ગુરબાઝ પાસે હજુ પણ વિરાટને પાછળ છોડવાની તક છે.
અફઘાનિસ્તાનની શાનદાર બેટિંગ
આ મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન અફઘાનિસ્તાને 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 311 રન બનાવ્યા હતા. રહેમાનુલ્લા ગુરબાઝ ઉપરાંત અઝમતુલ્લા ઉમરઝાઈની પણ શાનદાર ઇનિંગ જોવા મળી હતી. તેણે 50 બોલમાં અણનમ 86 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. આ સાથે જ રહેમત શાહે પણ 50 રનનું યોગદાન આપ્યું હતું.