- રાહુલ દ્રવિડ IPLમાં કોચ તરીકે વાપસી કરી શકે છે
- દ્રવિડ IPLમાં રાજસ્થાન રોયલ્સના હેડ કોચ બની શકે
- દ્રવિડે ભારતને T20 વર્લ્ડકપનો ખિતાબ અપાવ્યો હતો
રાહુલ દ્રવિડ IPLમાં કોચ તરીકે વાપસી કરી શકે છે. તેમનો T20 વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થયો છે પરંતુ હવે તે આગામી સિઝનથી IPLમાં જોવા મળી શકે છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે રાહુલ દ્રવિડ IPLમાં રાજસ્થાન રોયલ્સના હેડ કોચ બની શકે છે.
ગૌતમ ગંભીર નવા હેડ કોચ
રાહુલ દ્રવિડે તેના કોચિંગ હેઠળ ભારતને T20 વર્લ્ડકપનો ખિતાબ અપાવ્યો હતો. આ પહેલા ભારતને ODI વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારબાદ રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાનું કોચિંગ છોડવા જઈ રહ્યો હતો. જો કે, રોહિત શર્માના આગ્રહ પર, તેણે T20 વર્લ્ડકપ સુધી રહેવાનો નિર્ણય કર્યો અને આ પછી ભારતીય ટીમે ઇતિહાસ રચ્યો હતો. T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યા બાદ રાહુલ દ્રવિડે પોતાનો કોન્ટ્રાક્ટ લંબાવ્યો ન હતો. તેમના સ્થાને ગૌતમ ગંભીરને ભારતના નવા હેડ કોચ બનાવવામાં આવ્યા છે.
રાહુલ દ્રવિડ પોતાની જૂની ટીમમાં પરત ફરશે
એક અહેવાલ અનુસાર રાહુલ દ્રવિડ IPLમાં કોચિંગની જવાબદારી સંભાળી શકે છે. તે રાજસ્થાન રોયલ્સ ટીમનો આગામી હેડ કોચ બની શકે છે. હાલમાં રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલા કુમાર સંગાકારા ઈંગ્લેન્ડ ટીમના કોચ બની શકે છે. કુમાર સંગાકારા હાલમાં રાજસ્થાન રોયલ્સના ક્રિકેટ ડાયરેક્ટર છે, પરંતુ ઘણા સમયથી તે ઈંગ્લેન્ડ ટીમના હેડ કોચ બનવાની ચર્ચા હતી. હવે એવા સમાચાર છે કે રાહુલ દ્રવિડના આવ્યા બાદ સંગાકારા ઈંગ્લેન્ડની ODI અને T20 ટીમની જવાબદારી સંભાળી શકે છે.
જો કે થોડા દિવસો પહેલા જ્યારે કુમાર સંગાકારાને ઈંગ્લેન્ડ ટીમના હેડ કોચ બનવા અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝીમાં ખુશ છે. જો રાહુલ દ્રવિડ રાજસ્થાન રોયલ્સનો કોચ બને છે તો એક રીતે તેની વાપસી હશે. તે પહેલા પણ ટીમની કેપ્ટનશીપ અને કોચિંગ કરી ચૂક્યો છે.