- મુંબઈ અને વિદર્ભ વચ્ચે રણજી ટ્રોફી ફાઈનલ
- મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે
- મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી
રણજી ટ્રોફી 2024ની ફાઈનલ મેચ મુંબઈ અને વિદર્ભ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ દિવસે જ વિદર્ભના બોલરો સામે મુંબઈના બેટ્સમેનો ફ્લોપ સાબિત થયા હતા. પ્રથમ દિવસે પ્રથમ દાવમાં મુંબઈના 7 બેટ્સમેન માત્ર 172 રનમાં આઉટ થઈ ગયા હતા. અજિંક્ય રહાણેથી લઈને શ્રેયસ ઐયર ફ્લોપ સાબિત થયા. જે બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે જેને ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે તેણે મુંબઈના બેટ્સમેનોને ક્લાસ લીધો હતો.
શાનદાર શરૂઆત બાદ ધબડકો
અંતિમ મેચમાં મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઈના બંને ઓપનર પૃથ્વી શો અને ભૂપેન લાલવાણીએ સારું ક્રિકેટ રમીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. 19મી ઓવર સુધી મુંબઈની ટીમ સારી લયમાં જોવા મળી રહી હતી. આ પછી મુંબઈને પહેલો ઝટકો ભૂપેન લાલવાણીના રૂપમાં લાગ્યો હતો. ભૂપેન લાલવાણી 37 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી પૃથ્વી શો પણ લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો અને 23મી ઓવરમાં આઉટ થયો હતો. પૃથ્વી શો 46 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી મુંબઈની વિકેટો પડતી રહી અને 172 રનમાં જ મુંબઈની અડધીથી વધુ ટીમ પેવેલિયન પરત ફરી હતી.
સચિન તેંડુલકર મુંબઈના બેટ્સમેનોથી નારાજ
મુંબઈના બેટ્સમેનોના આ ખરાબ પ્રદર્શનથી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ઘણો નારાજ દેખાઈ રહ્યો હતો. મુંબઈના બેટ્સમેન જે રીતે રમ્યા તેનાથી સચિન તેંડુલકર ખુશ નહોતો. જે બાદ સચિન તેંડુલકરે ટ્વીટ કરીને લખ્યું કે સારી શરૂઆત હોવા છતાં મુંબઈના બેટ્સમેનો ખૂબ જ સામાન્ય ક્રિકેટ રમ્યા. વિદર્ભે વસ્તુઓ સરળ રાખી અને મુંબઈ પર દબાણ બનાવ્યું. મેચમાં ઘણા રોમાંચક સત્રો જોવા મળશે. વિકેટ પર જે રીતે ઘાસ દેખાઈ રહ્યું છે, જેમ જેમ રમત આગળ વધશે તેમ બોલ વધુ ટર્ન થશે જે સ્પિન બોલરોને ઘણી મદદ કરશે.
રહાણે-ઐયર ફરી ફ્લોપ થયા
ફાઈનલ મેચના પહેલા દિવસે મુંબઈ ટીમના કેપ્ટન અજિંક્ય રહાણે અને શ્રેયસ અય્યર ફરીથી પ્રથમ દાવમાં ફ્લોપ સાબિત થયા હતા. પ્રથમ દિવસે બેટિંગ કરતી વખતે અજિંક્ય રહાણે અને શ્રેયસ ઐયર માત્ર 7-7 રન બનાવ્યા હતા. જેના કારણે આ બંને ખેલાડીઓ ફરી ફેન્સના નિશાના પર છે.