- સાઉથ આફ્રિકા સામે રિંકુ સિહે શાનદાર ઈનિંગ રમી
- T20 ઈન્ટરનેશનલ કરિયરની પ્રથમ ફિફ્ટી ફટકારી
- સાઉથ આફ્રિકા સામે ભારતની 5 વિકેટે કારમી હાર
સાઉથ આફ્રિકા સામેની T20 સીરીઝની બીજી મેચમાં ફરી એકવાર રિંકુ સિંહ નામનું તોફાન જોવા મળ્યું. બીજી મેચમાં રિંકુએ શાનદાર ઇનિંગ રમી હતી. તેની બેટિંગ જોઈને એવું બિલકુલ નહોતું લાગતું કે તે સાઉથ આફ્રિકાની ધરતી પર પહેલીવાર રમી રહ્યો છે. આ મેચમાં રિંકુ સિંહે તેની T20 ઈન્ટરનેશનલ કરિયરની પ્રથમ ફિફ્ટી પણ ફટકારી હતી. પોતાની ઇનિંગ દરમિયાન રિંકુએ 9 ફોર અને 2 શાનદાર સિક્સર ફટકારીને 68 રનની અણનમ ઈનિંગ રમી હતી. રિંકુએ એવી સિક્સ મારી કે તેનાથી સ્ટેડિયમમાં મીડિયા બોક્સનો કાચ તૂટી ગયો.
રિંકુની સિક્સરે કાચ તોડ્યો
રિંકુ સિંહે ભલે પોતાની ઇનિંગ દરમિયાન બે સિક્સર ફટકારી હતી પરંતુ આ બે સિક્સર વડે તેણે સ્ટેડિયમમાં બેઠેલા ફેન્સનું દિલ જીતી લીધું હતું. તેણે આ સિક્સમાંથી એક એવો માર્યો કે તેનાથી સ્ટેડિયમમાં મીડિયા બોક્સનો કાચ તૂટી ગયો. જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીર જોઈને ચાહકોએ કહ્યું કે રિંકુ સિંહે સાઉથ આફ્રિકાના ક્રિકેટને નુકસાન પહોંચાડ્યું છે. એક યુઝરે લખ્યું, શાંત થાઓ,આ તો માત્ર એક ગ્લાસ છે, રેકોર્ડ તોડવો રિંકુ સિંહના લોહીમાં છે.
સાઉથ આફ્રિકાની 5 વિકેટે જીત
સાઉથ આફ્રિકામાં ત્રણ મેચની T20 સિરીઝ રમવા આવેલી ભારતીય ટીમને બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. વરસાદથી પ્રભાવિત આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 19.3 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાને 15 ઓવરમાં 152 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. આફ્રિકન ટીમે 7 બોલ બાકી રહેતા આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ રીતે ટીમ ઈન્ડિયાને અહીં 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
સૂર્યા અને રિંકુની ફિફ્ટી એળે ગઈ
આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ 6 રનમાં તેના બંને ઓપનિંગ બેટ્સમેન ગુમાવી દીધા હતા. પરંતુ સૂર્યકુમાર યાદવ (56) અને રિંકુ સિંહ (68)ની વિસ્ફોટક ઇનિંગ્સે ભારતનો સ્કોર 180ના સ્કોર સુધી પહોંચાડ્યો હતો. જોકે, સાઉથ આફ્રિકાના લગભગ તમામ બેટ્સમેનોએ ટૂંકી અને ઝડપી ઈનિંગ્સ રમીને ભારત પાસેથી મેચ છીનવી લીધી હતી. સાઉથ આફ્રિકાની ટીમે ભારત સામે 5 વિકેટે જીત મેળવી હતી.