- ટી20 વર્લ્ડકપ વિજેતા કેપ્ટન રોહિત શર્મા હાલમાં રજા પર છે
- ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધા બાદ રોહિતના વનડે અને ટેસ્ટ નિવૃત્તિને લઈને ફેન્સના મનમાં અનેક સવાલો છે
- હાલમાં રોહિત શર્માએ તેનો જવાબ આપ્યો છે
ટી20 વર્લ્ડકપ 2024નું ટાઈટલ જીત્યા બાદ રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રોહિતની કેપ્ટનશિપમાં ત્રણ આઈસીસી ટૂર્નામેન્ટની ફાઈનલમાં હાર્યા બાદ ટીમ ઈન્ડિયા આખરે વર્લ્ડકપ જીતવામાં સફળ રહી. હાલમાં રોહિત શર્મા ક્રિકેટથી દૂર પરિવાર સાથે રજાઓ એન્જોય કરી રહ્યો છે. આ દરમિયાન રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં રોહિતે ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે મોટું નિવેદન આપ્યું છે.
નિવૃત્તિને લઈને રોહિતનું નિવેદન
રોહિત શર્માનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે કોઈ કાર્યક્રમનો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રોહિત શર્મા નિવૃત્તિને લઈને કહે છે કે, હું હજી આટલું આગળ વિચારી રહ્યો નથી. તમે બધા મને થોડો વધુ સમય રમતા જોશો. રોહિતનું આ નિવેદન સાંભળીને કાર્યક્રમમાં બેઠેલા લોકોએ જોર જોરથી બૂમો પાડી. રોહિતે સ્પષ્ટ કર્યું છે કે તે હજુ ક્રિકેટ રમવા માંગે છે. રોહિત શર્માનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
CT 2025 અને WTC 2025માં કેપ્ટન રહેશે
ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ રોહિત હવે વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં રમતો જોવા મળશે. ઝિમ્બાબ્વે બાદ હવે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સાથે વનડે અને ટી20 સિરીઝ રમવાની છે, રિપોર્ટ મુજબ રોહિત શર્મા પણ શ્રીલંકા પ્રવાસમાંથી બહાર થઈ શકે છે. રોહિતનું આગામી લક્ષ્ય ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ છે. રોહિત શર્મા આ બંને ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરતો જોવા મળશે, જેની પુષ્ટિ બીસીસીઆઈ સેક્રેટરીએ કરી છે.
Image -X