• અનંત અંબાણીના લગ્નમાં દેશ-વિદેશની હસ્તીઓનો મેળાવડો
  • લગ્નમાં ક્રિકેટરોથી લઈને સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી
  • ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત લગ્નમાં જોવા મળ્યો ન હતો

ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં દેશ-વિદેશની મોટી હસ્તીઓનો મેળાવડો જોવા મળ્યો હતો. આ લગ્નમાં ક્રિકેટરોથી લઈને સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે.

લગ્નમાં હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવથી લઈને પૂર્વ કેપ્ટન એમએસ ધોની સુધી જોવા મળ્યા હતા, પરંતુ ટીમ ઈન્ડિયા માટે T20 વર્લ્ડકપનો ખિતાબ જીતનાર કેપ્ટન રોહિત શર્મા લગ્નમાં જોવા મળ્યો ન હતો. જે બાદ ચાહકોના મનમાં સવાલો ઉઠવા લાગ્યા કે રોહિત શા માટે લગ્નમાં ન આવ્યો?

રોહિતની તસવીરો સામે આવી

રોહિત શર્મા અનંત અને રાધિકાની સંગીત સેરેમનીમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન નીતા અંબાણીએ પણ રોહિતને સ્ટેજ પર બોલાવીને વર્લ્ડકપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. જે પછી ચાહકોને આશા હતી કે રોહિત લગ્નમાં પણ ચોક્કસ હાજરી આપશે. જ્યારે ચાહકોએ લગ્નમાં અન્ય ક્રિકેટરોને જોયા પરંતુ રોહિત શર્મા ન દેખાયા ત્યારે તેમના મનમાં પ્રશ્ન ઉભો થયો કે રોહિત લગ્નમાં કેમ ન આવ્યો. જે બાદ સોશિયલ મીડિયા પર રોહિતની નવી તસવીરો સામે આવી, જેમાં ખબર પડી કે રોહિતે લગ્નમાં શા માટે હાજરી આપી ન હતી.

વાસ્તવમાં, રોહિત શર્મા લંડનમાં રમાઈ રહેલી વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં કાર્લોસ અલ્કારાઝ અને ડેનિલ મેદવેદેવ વચ્ચે રમાયેલી મેન્સ સિંગલ્સની સેમિફાઈનલ જોવા માટે આવ્યો હતો. મેચ દરમિયાન રોહિતની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પહેલા પૂર્વ મહાન બેટ્સમેન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ વિમ્બલ્ડન ચેમ્પિયનશીપમાં મેચ જોવા આવ્યો હતો.

દિનેશ કાર્તિક પણ જોવા મળ્યો

રોહિત શર્મા ઉપરાંત પૂર્વ ક્રિકેટર દિનેશ કાર્તિક પણ વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં જોવા મળ્યો હતો. દિનેશ પણ અહીં ખૂબ જ મસ્તી કરતો જોવા મળ્યો હતો. દિનેશ તેની પત્ની સાથે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં પહોંચ્યો હતો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

  • Follow us on: