- શ્રીલંકા સાથે વનડે સિરીઝ રમ્યા બાદ હાલ બ્રેક પર છે ટીમ ઈન્ડિયા
- રોહિત મુંબઈના રસ્તાઓ પર લેમ્બોર્ગિની ચલાવતો જોવા મળ્યો હતો
- વીડિયોમાં રોહિતની લેમ્બોર્ગિનીની નંબર પ્લેટે સૌનું ધ્યાન ખેંચ્યું હતું
શ્રીલંકા સાથે વનડે સિરીઝ રમ્યા બાદ ટીમ ઈન્ડિયા હાલ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી બ્રેક પર છે. ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ દુલીપ ટ્રોફી 2024ની તૈયારીઓમાં વ્યસ્ત છે, ત્યારે કેપ્ટન રોહિત શર્મા રજાઓનો આનંદ માણી રહ્યો છે. તાજેતરમાં જ રોહિત મુંબઈના રસ્તાઓ પર લેમ્બોર્ગિની ચલાવતો જોવા મળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રોહિતની લેમ્બોર્ગિનીની નંબર પ્લેટે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
રોહિતની ખાસ નંબર પ્લેટ
હાલમાં જ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા મુંબઈના રસ્તાઓ પર તેની લેમ્બોર્ગિની ચલાવતો જોવા મળ્યો હતો. ચાહકોનું ધ્યાન તેની લેમ્બોર્ગિનીની નંબર પ્લેટ હતી જેના પર '0264' લખેલું હતું. તમને જણાવી દઈએ કે, રોહિત માટે આ આંકડો ખૂબ જ ખાસ છે, કારણ કે તેણે 2014માં શ્રીલંકા સામેની ODI મેચ દરમિયાન 264 રન બનાવ્યા હતા, જે આ ફોર્મેટમાં રોહિતની સૌથી મોટી ઇનિંગ છે. રોહિત શર્માની 173 બોલમાં 264 રનની ઈનિંગ ODI ઈતિહાસની સૌથી મોટી ઈનિંગ છે. અત્યારે દુનિયાનો કોઈ બેટ્સમેન રોહિતનો આ રેકોર્ડ તોડી શક્યો નથી.
શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન
T20 વર્લ્ડકપ 2024માં ધમાલ મચાવ્યા બાદ રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જે બાદ રોહિત શ્રીલંકા પ્રવાસ પર વનડે સિરીઝમાં પરત ફર્યો હતો. રોહિત શર્માની સફળતા વનડે સિરીઝમાં જોવા મળી હતી. જ્યાં એક તરફ ભારતીય બેટ્સમેનોએ નિરાશાજનક પ્રદર્શન કર્યું તો બીજી તરફ રોહિતે પોતાની વિસ્ફોટક બેટિંગથી ચાહકોના દિલ જીતી લીધા હતા. રોહિતે આ સિરીઝમાં 2 અડધી સદી પણ ફટકારી હતી.
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં જોવા મળશે 'હિટમેન'
ભારતીય ટીમ હવે સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સાથે ટેસ્ટ સિરીઝ રમતી જોવા મળશે. આ સિરીઝ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. જેમાં રોહિત ફરી એકવાર ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.