ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મંગળવારે ઈરાની કપ 2024 માટે મુંબઈ અને રેસ્ટ ઓફ ઈન્ડિયાની ટીમોની જાહેરાત કરી. આ ટીમ એટલા માટે ચર્ચામાં આવી છે કારણ કે તેમાં ત્રણ એવા ખેલાડીઓ સામેલ છે જેમને બાંગ્લાદેશ સામે પસંદ કરાયેલી ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે અને ઈરાની કપમાં રમવા માટે કહેવામાં આવ્યું છે. આ 3 ખેલાડીઓના આઉટ થવાથી શું બાંગ્લાદેશ માટે બીજી ટેસ્ટ જીતવી સરળ બની જશે?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત મોટાભાગના ખેલાડીઓ બીજી ટેસ્ટ મેચ માટે કાનપુર પહોંચી ગયા છે અને તેમની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્રથમ મેચનું પ્રદર્શન જોયા બાદ બીજી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફારની શક્યતા ઓછી છે.
3 ખેલાડીઓ બીજી ટેસ્ટ નહીં રમે
આ ત્રણ ખેલાડીઓના નામ સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ અને યશ દયાલ છે.આ ત્રણ ખેલાડીઓને બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ માટે 15 સભ્યોની ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી. હવે ઈરાની કપની જવાબદારીના કારણે સરફરાઝ, ધ્રુવ અને યશ બીજી ટેસ્ટ પણ ગુમાવશે. એક તરફ સરફરાઝ ખાન મુંબઈની ટીમ તરફથી રમશે તો બીજી તરફ ધ્રુવ જુરેલ અને યશ દયાલને 'રેસ્ટ ઓફ ઈન્ડિયા' ટીમમાં સ્થાન મળ્યું છે.
આ ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં વાપસીની આશા
શ્રેયસ ઐયર, ઈશાન કિશનથી લઈને શાર્દુલ ઠાકુર પણ ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસીની આશા રાખી રહ્યા છે. આ તમામ ખેલાડીઓ ઈરાની કપમાં શાનદાર પ્રદર્શન કરીને આગામી સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે પોતાનો દાવો દાખવી શકે છે. ઈરાની કપની વાત કરીએ તો છેલ્લી વખત રેસ્ટ ઓફ ઈન્ડિયાએ સૌરાષ્ટ્રને 175 રનના વિશાળ અંતરથી હરાવીને ટ્રોફી જીતી હતી.