• રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો
  • સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલને ભારત તરફથી ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી
  • તેના પિતા સરફરાઝને ગળે લગાવ્યા અને ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા

ઈંગ્લેન્ડ સામેની રાજકોટ ટેસ્ટમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમે આ મેચમાં ચાર મોટા ફેરફાર કર્યા છે. સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલને ભારત તરફથી ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી છે.

સરફરાઝનું સપનું પૂરું થયું

લાંબી રાહ જોયા બાદ આખરે સરફરાઝ ખાનને ભારત તરફથી ટેસ્ટમાં રમવાની તક મળી. સરફરાઝનું આ સપનું 15 ફેબ્રુઆરી 2024ના રોજ પૂરું થયું. સરફરાઝનું ભારત માટે રમવાનું સપનું તેના પિતા નૌશાદ ખાને જોયું હતું. આ જ કારણ હતું કે જ્યારે સરફરાઝને ટેસ્ટ કેપ મળી ત્યારે તેના પિતા ખૂબ જ ભાવુક દેખાતા હતા.

ભાવુક પિતાએ ગળે લગાડ્યો

સરફરાઝ ખાનને જ્યારે ટેસ્ટ કેપ આપવામાં આવી રહી હતી ત્યારે તેના પિતાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. ટેસ્ટ કેપ મેળવ્યા બાદ સરફરાઝે તેના પિતાને ગળે લગાવ્યા અને તે પણ તેમની સાથે ભાવુક થઈ ગયો. આ દરમિયાન તેણે પોતાના પુત્રની ટેસ્ટ કેપને પણ કિસ કરી હતી. આ સાથે સરફરાઝની માતાની આંખોમાંથી પણ ખુશીના આંસુ નિકળી ગયા હતા. સરફરાઝ ખાન સાથે તેના પિતા ઘણા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. સરફરાઝ ખાનના પિતાની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેના પર ફેન્સ પણ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.


સરફરાઝની શાનદાર કારકિર્દી

મુંબઈ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર સરફરાઝ ખાન ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. 26 વર્ષીય સરફરાઝ ખાનને પ્રથમ વખત ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તેને ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. સરફરાઝ ખાનની ડોમેસ્ટિક કરિયર શાનદાર રહી છે. તેણે 45 ફર્સ્ટ ક્લાસ મેચો દરમિયાન 66 ઇનિંગ્સમાં 69.85ની શાનદાર એવરેજથી 3912 રન બનાવ્યા છે.

  • Follow us on: