• રાજકોટ ટેસ્ટમાં બે ખેલાડીઓ ભારત તરફથી ડેબ્યૂ કર્યું
  • સરફરાઝ ટેસ્ટ કેપ મળતા તેના પિતાની આંખોમાં આંસુ આવ્યા
  • ધ્રુવ જુરેલને પણ મળ્યો ટેસ્ટ મેચમાં ડેબ્યૂનો મોકો

રાજકોટમાં રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં બે ખેલાડીઓ ભારત તરફથી ડેબ્યૂ કરી રહ્યા છે. બેટ્સમેન સરફરાઝ ખાન અને વિકેટકીપર ધ્રુવ જુરેલને ટેસ્ટ ડેબ્યૂ કેપ્સ મળી છે. સરફરાઝ ખાન ઘણા સમયથી પોતાના વારાની રાહ જોઈ રહ્યો હતો અને ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2024ના રોજ તેનું સપનું પુરૂં થયું છે. જોકે, ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું સપનું તેના પિતા નૌશાદ ખાને જોયું હતું. આ જ કારણ હતું કે જ્યારે સરફરાઝ ટેસ્ટ કેપ મેળવી રહ્યો હતો ત્યારે તેના પિતાની આંખોમાં આંસુ હતા. જોકે, આ આંસુ ખુશીના હતા. બાદમાં સરફરાઝે તેના પિતાને ગળે લગાવ્યા અને તેની સાથે ભાવુક જોવા મળ્યો.

સરફરાઝ ખાને કર્યું ટેસ્ટ ડેબ્યૂ

સ્થાનિક ક્રિકેટમાં તેના જોરદાર પ્રદર્શન બાદ તેને ભારતના મિડલ ઓર્ડરમાં તક મળવા જઈ રહી છે. સરફરાઝ ખાનને ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે વિરાટ કોહલી પ્રથમ બે મેચમાંથી બહાર હતો, જ્યારે કેએલ રાહુલ બીજી મેચ માટે અનુપલબ્ધ હતો. સરફરાઝને બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને ત્યાં તક મળી ન હતી. હવે શ્રેયસ અય્યર, કેએલ રાહુલ અને વિરાટ કોહલી મિડલ ઓર્ડરમાં નથી તેથી સરફરાઝને ડેબ્યૂ કેપ મળી છે. સરફરાઝ આગામી ત્રણ ટેસ્ટ મેચો માટે ભારતની ટીમનો ભાગ છે કારણ કે વિરાટ કોહલી અંગત કારણોસર અને શ્રેયસ ઐયરને ઈજાના કારણે બહાર કરવામાં આવ્યો છે.


કેએસ ભરતની જગ્યાએ ધ્રુવ જુરેલની ટીમમાં થઇ એન્ટ્રી

ધ્રુવ જુરેલ વિશે વાત કરીએ તો, તે પ્રથમ બે મેચ માટે ટીમનો ભાગ હતો અને બાકીની ત્રણ મેચો માટે બેકઅપ વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પ્રથમ બે મેચમાં ભારતીય ટીમ મેનેજમેન્ટે કેએસ ભરત પર વિકેટકીપર બેટ્સમેન તરીકે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કે.એસ. ભરતે વિકેટકીપર તરીકે નિરાશ કર્યા ન હતા, પરંતુ બેટ્સમેન તરીકે તે અસર છોડવામાં સફળ થયો ન હતો. આવી સ્થિતિમાં ભારતીય ટીમે યુવા ધ્રુવ જુરેલ તરફ નજર રાખવી પડી છે. ધ્રુવ જુરેલને આ શ્રેણી પહેલા ટેસ્ટ સેટઅપમાં સામેલ કરવામાં આવ્યો ન હતો, કારણ કે કેએલ રાહુલ વિકેટ કીપિંગ કરી રહ્યો હતો અને ઈશાન કિશન તેના બેકઅપ તરીકે ટીમનો ભાગ હતો.

ભારતની પ્લેઇંગ 11

યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (Wc), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

ઇંગ્લેન્ડની પ્લેઇંગ 11

જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (C), બેન ફોક્સ (wc), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, માર્ક વુડ, જેમ્સ એન્ડરસન.

  • Follow us on: