• ભારતીય ખેલાડી સ્વપ્ના બર્મનનો ગંભીર આરોપ

  • એક ટ્રાન્સજેન્ડર મહિલાને કારણે મેડલ ગુમાવ્યો: બર્મન
  • હેપ્ટાથલોનમાં નંદિની અગાસરાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

એશિયન ગેમ્સ 2023માં વિવાદોનો સિલસિલો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. અરુણાચલ પ્રદેશના ખેલાડીઓને ચીનના વિઝા ન આપવામાં આવતા ભારે હોબાળો થયો હતો. આ કારણથી ભારતના ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે ચીન જવાની ના પાડી દીધી હતી. આ પછી ભારતીય ખેલાડીઓને પ્રેક્ટિસ માટે યોગ્ય સુવિધા પણ મળી નથી. ચીનની ખેલાડીની ભૂલ માટે જ્યોતિ યારાજીને બલિનો બકરો બનાવવામાં આવી રહી હતી, પરંતુ તેણીએ વિરોધ કર્યા બાદ તેને સિલ્વર મેડલ આપવામાં આવ્યો હતો. હવે વધુ એક ભારતીય એથ્લીટે આ વિવાદને વેગ આપ્યો છે.

સ્વપ્ના બર્મને વિવાદિત પોસ્ટ કરી

જકાર્તામાં એશિયન ગેમ્સની 2018ની આવૃત્તિમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય એથ્લીટ સ્વપ્ના બર્મને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને આરોપ લગાવ્યો કે, તેણીએ મહિલા હેપ્ટાથલોનમાં એક ટ્રાન્સજેન્ડર મહિલાને કારણે મેડલ ગુમાવ્યો હતો. બર્મન ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ચોથા સ્થાને રહી હતી અને તેને કોઈ મેડલ મળ્યો નહોતો. જોકે, બાદમાં બર્મને તેમની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

નંદિની અગાસરાએ બ્રોન્ઝ જીત્યો

એશિયન ગેમ્સની ગત આવૃત્તિમાં 53.55 મીટર ભાલા ફેંકનાર સ્વપ્ના આ વખતે માત્ર 45.13 મીટર જ ભાલો ફેંકી શકી હતી. બર્મન આખરે 5708 પોઈન્ટના સ્કોર સાથે મહિલા હેપ્ટાથલોન ઈવેન્ટમાં ચોથા સ્થાને રહી અને માત્ર ચાર પોઈન્ટથી બ્રોન્ઝ મેડલ ચૂકી ગઈ હતી. તેની દેશબંધુ નંદિની અગાસરાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જેણે કુલ 5712 પોઇન્ટ મેળવ્યા હતા. ચીનની નાનાલી ઝેંગે 6149 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે ઉઝબેકિસ્તાનની એકટેરીના વોરોનિનાએ 6056 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

હું મારો મેડલ પાછો ઈચ્છું છું

સ્પર્ધાના એક દિવસ પછી, બર્મને સોશિયલ મીડિયા પર આરોપ લગાવીને વિવાદ ઉભો કર્યો હતો કે તેણીએ ટ્રાન્સજેન્ડર એથ્લીટને કારણે તેણીનો મેડલ ગુમાવ્યો હતો. જો કે, તેણે તેની પોસ્ટમાં આ ઇવેન્ટ માટે તેના વિરોધીનું નામ લીધું નથી. તેણે લખ્યું, “ચીનના હાંગઝોઉમાં આયોજિત 19મી એશિયન ગેમ્સમાં એક ટ્રાન્સજેન્ડર મહિલાને કારણે મેં મારો એશિયન ગેમ્સનો બ્રોન્ઝ મેડલ ગુમાવ્યો છે. હું મારો મેડલ પાછો ઈચ્છું છું કારણ કે તે અમારા એથ્લેટિક્સના નિયમોની વિરુદ્ધ છે. કૃપા કરીને મને મદદ કરો અને મને સમર્થન આપો.”

  • Follow us on: