- ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબર મેચ રમાશે
- અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ
- શાહીન આફ્રિદીએ કહ્યું કે, ભારત સામે 5 વિકેટ લેશે
ODI વર્લ્ડકપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબર શનિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ મોટું નિવેદન આપતા કહ્યું કે તે ભારત સામે 5 વિકેટ લેશે. શાહિને પોતાના નિવેદનથી ભારે હલચલ મચાવી દીધી છે. ચાહકો આ શાનદાર મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાહીનના આ નિવેદનથી ફેન્સની ઉત્સુકતા વધી ગઇ છે.
શાહીન આફ્રિદીનું નિવેદન
પહેલીવાર ભારતમાં રમવા આવેલા શાહીન આફ્રિદીએ ભારત સામેની મેચ પહેલા કહ્યું હતું કે તે ભારત સામે 5 વિકેટ લેશે. શાહીન અત્યાર સુધીમાં 46 વન-ડે મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે બે વખત 5 વિકેટ ઝડપી છે. આવી સ્થિતિમાં શાહીનને ભારત સામે નવા બોલ સાથે બોલિંગ નાખતો જોવા મળશે. જો કે, શાહીન વર્લ્ડકપ 2023માં અત્યાર સુધીની બે મેચમાં ખૂબ જ ખરાબ ફોર્મમાં જોવા મળ્યો છે. બંને મેચમાં નેધરલેન્ડ અને શ્રીલંકા સામે તેને માત્ર એક- એક વિકેટ મળી હતી.
શાહીનનું વર્લ્ડકપમાં પ્રદર્શન
શાહીન આફ્રિદીએ ODI વર્લ્ડકપ પહેલા રમાયેલા એશિયા કપ 2023માં ભારત સામે બે મેચ રમી હતી. ભારત વિરૂદ્ધ ગ્રુપ સ્ટેજની પ્રથમ મેચમાં શાહીને 10 ઓવરમાં માત્ર 35 રન આપીને 4 વિકેટ ઝડપી હતી, જેમાં તેણે વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાને આઉટ કર્યા હતા. જો કે વરસાદના કારણે મેચ રદ કરવામાં આવી હતી.
ભારત સામે શાહીનનું પ્રદર્શન
ત્યારબાદ સુપર-4 તબક્કાની બીજી મેચમાં ભારત સામે શાહીન સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો હતો. પાકિસ્તાની ફાસ્ટ બોલર ભારત સામે માત્ર એક જ સફળતા મેળવી શક્યો હતો. તેણે 10 ઓવરમાં 7.90ની ઇકોનોમી સાથે 79 રન આપ્યા હતા. ભારત સામે શાહીન આફ્રિદીના એકંદરે ODI રેકોર્ડની વાત કરીએ તો પાકિસ્તાની બોલરે ભારત સામે અત્યાર સુધીમાં ત્રણ ODI રમી છે, જેમાં તેણે 31.20ની એવરેજથી 5 વિકેટ ઝડપી છે.