- શાહીન આફ્રિદી ટ્રેનિંગ કેમ્પ છોડીને પોતાના ઘરે પરત ફર્યો
- T20 ઈન્ટરનેશનલની કેપ્ટનશીપ પરથી હટાવ્યા બાદ નારાજ
- શાહિન આફ્રિદીને હટાવીને બાબર આઝમને બનાવ્યો કેપ્ટન
પાકિસ્તાનના પૂર્વ T20 ઈન્ટરનેશનલ કેપ્ટન શાહીન આફ્રિદી ટ્રેનિંગ કેમ્પ છોડીને પોતાના ઘરે પરત ફર્યો છે. T20 ઈન્ટરનેશનલની કેપ્ટનશીપ પરથી હટાવ્યા બાદ તે ઘણો ગુસ્સે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આફ્રિદી ગુસ્સામાં નહીં પરંતુ ઔપચારિક પરવાનગી સાથે ગયો હતો. શાહીન 8 એપ્રિલે ઇફ્તાર દિનમમાં ટીમ સાથે જોડાશે, જેનું આયોજન આર્મી ચીફ જનરલ અસીમ મુનીર કરશે.
એક સિરીઝ બાદ કપ્તાની છીનવાઈ
બાબર આઝમના ODI વર્લ્ડકપ 2023માં ખરાબ પ્રદર્શન બાદ ODI અને T20ની કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી હતી. બાદમાં તેણે ટેસ્ટ કેપ્ટનશિપમાંથી પણ રાજીનામું આપી દીધું હતું. આ પછી શાહીન શાહ આફ્રિદીને પાકિસ્તાનનો T20 કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો હતો. જોકે, પ્રથમ સિરીઝ બાદ જ તેને કેપ્ટનશિપમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. શાહીને ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની T20 સિરીઝમાં પાકિસ્તાની ટીમનું નેતૃત્વ કર્યું હતું. આ સિરીઝમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 4-1થી હરાવ્યું હતું. આ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ફરીથી બાબર આઝમની સફેદ બોલ ક્રિકેટ માટે કેપ્ટન તરીકે નિમણૂક કરી હતી.
શાહીન આફ્રિદી નારાજ
સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહીન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તરફથી સુકાની પદેથી હટાવવા અંગે વાતચીતના અભાવથી નારાજ હતો. કેપ્ટનપદેથી હટાવ્યા બાદ જારી કરાયેલા નિવેદનથી પણ તે પરેશાન હતો, જેમાં એવા શબ્દો હતા જે તેમના દ્વારા અધિકૃત કે બોલવામાં આવ્યા ન હતા. PCBએ ભૂલ સ્વીકારી અને આફ્રિદીને કહ્યું કે આ આંતરિક ભૂલ હતી. શાહીન પાકિસ્તાની ટીમનો મુખ્ય ફાસ્ટ બોલર છે. તેણે તેની કારકિર્દીમાં અત્યાર સુધી રમાયેલી 57 T-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 73 સફળતા હાંસલ કરી છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 22.30 અને ઇકોનોમી 7.75 હતી. શાહીન નવા બોલથી પાકિસ્તાનને સફળતા અપાવવામાં સક્ષમ છે.