- ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું
- પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાએ સિરીઝ 3-0થી કબજે કરી
- પાકિસ્તનના કારમા પરાજય બાદ શાન મસૂદની પ્રતિક્રિયા
ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચમાં પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયાએ સિરીઝ 3-0થી કબજે કરી લીધી હતી. પાકિસ્તાનના કેપ્ટન શાન મસૂદે આ હાર પર પ્રતિક્રિયા આપી છે. તેણે સિડની ટેસ્ટ બાદ કહ્યું કે અમે સારો સ્કોર બનાવ્યો, પરંતુ તેમ છતાં અમે ઘણી ભૂલો કરી હતી જેને કારણે અમારે કારમો પરાજય સહન કરવો પડ્યો છે. અમે અમારી ભૂલોમાંથી સતત શીખતા હોઈએ છીએ.
હાર બાદ શાન મસૂદની પ્રતિક્રિયા
ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ મસૂદે કહ્યું કે, અહીં પણ એવું જ થયું જે મેલબોર્નમાં થયું હતું. અમે અમારી ભૂલોમાંથી શીખી રહ્યા છીએ. અમે સકારાત્મક રીતે આગળ વધી રહ્યા છીએ. અમે લીડ લીધી હતી અને સારો સ્કોર કર્યો હતો. પરંતુ અમે તક ચૂકી ગયા હતા. જ્યારે આપણે ઓસ્ટ્રેલિયા સામે તેમના મેદાન પર રમીએ છીએ ત્યારે તેઓ અદ્ભુત પ્રદર્શન કરે છે. તેમના બોલર્સ હંમેશા વિકેટની શોધમાં હોય છે અને સારી બોલિંગ પણ કરે છે. અમે કેટલીક ભૂલો કરી, જેના કારણે અમે મેચ જીતી શક્યા નહીં.
આ રીતે ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટ જીતી હતી
ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 313 રન બોર્ડ પર મૂક્યા. ત્યારપછી જવાબમાં પોતાની પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયા 299 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જે બાદ એવું લાગી રહ્યું હતું કે પાકિસ્તાન અહીંથી મેચ જીતી શકશે. પરંતુ ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ વાપસી કરી અને પાકિસ્તાનને તેની બીજી ઇનિંગમાં માત્ર 115 રનમાં ઓલઆઉટકરી દીધું. પાકિસ્તાનને 115 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ઓસ્ટ્રેલિયાને માત્ર 130 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને તેણે 25.5 ઓવરમાં 2 વિકેટે જીતીને હાંસલ કરી લીધો હતો.
નોંધનીય છે કે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાની આ સતત ત્રીજી જીત હતી, જેની સાથે તેણે સિરીઝ 3-0થી જીતી લીધી હતી. પર્થમાં રમાયેલી સિરીઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 360 રને અને મેલબોર્નમાં રમાયેલી બીજી ટેસ્ટમાં 79 રનથી હરાવ્યું હતું.