- શુભમન ગિલ પાસે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાની તક
- રોહિત શર્મા અને વિરાટ કોહલી ન તોડી શક્યા રેકોર્ડ
- ગિલને રેકોર્ડ તોડવા માટે 786 રનની જરૂર
ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલનું વર્ષ 2023માં અત્યાર સુધી ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. ગિલની ગણતરી અત્યારે સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓમાં કરવામાં આવી રહી છે. વનડેમાં ગિલનું પ્રદર્શન અલગ સ્તર પર જોવા મળી રહ્યું છે. ગિલે અત્યાર સુધી આ વર્ષે 19 મેચમાં 70.37ની એવરેજ સાથે 1 હજાર 126 રન બનાવ્યા છે. હજુ વનડે વર્લ્ડકપ મેચ રમવાના બાકી છે. જેથી ગિલ પાસે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો 25 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની શાનદાર તક છે.
આ વર્ષે બેવળી સદી ફટકારી હતી
શુભમન ગિલે આ વર્ષના શરૂઆતમાં વનડે ફોર્મેટમાં પોતાની પ્રથમ બેવળી સદી ફટકારી હતી. એક વર્ષમાં વનડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ આજે પણ સચિનના નામે છે. સચિને વર્ષ 1998માં 9 સદી અને 7 ફિફ્ટીની મદદથી કુલ 1 હજાર 894 રન બનાવ્યા હતા.
ગિલે 1 હજાર 126 રન બનાવ્યા
ગિલે અત્યાર સુધી આ વર્ષે વનડેમાં 1 હજાર 126 રન બનાવ્યા છે. જેથી જો ગિલ હવે 786 રન બનાવશે, તો તે સચિનના આ રેકોર્ડને તોડવામાં સફળ થશે. હજુ ભારતીય ટીમ વનડે વર્લ્ડકપમાં અંદાજે 9 લીગ મેચ રમશે. આ ઉપરાંત સેમીફાઈનલ અને ફાઈનલમાં પહોંચવા પર ગિલને વધુ 2 મેચ મળશે. જે બાદ ગિલ પાસે આ વર્ષના અંતમાં સાઉથ આફ્રિકામાં 3 વનડે મેચ રમવાની તક છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ગિલે ફટકારી ફિફ્ટી
એશિયા કપ 2023માં શુભમન ગિલે પોતાના શાનદાર પ્રદર્શનને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝમાં પણ યથાવત્ રાખ્યું છે. મોહલીમાં રમવામાં આવેલી પ્રથમ વનડે મેચમાં ગિલે 63 બોલ પર 74 રનની ઈનિંગ રમી હતી. જેના કારણે ભારતીય ટીમે આ મેચમાં 5 વિકેટ જીત મેળવીને સીરિઝમાં 1-0થી લીડ મેળવી છે.