- બાંગ્લાદેશ સામે ભારતની 6 રને હાર
- શુભમન ગિલે બાંગ્લાદેશ વિરુદ્ધ ફટકારી સદી
- ગિલ 1500 કરતાં વધુ રન કરનારો ખેલાડી બન્યો
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શુક્રવારે કોલંબોમાં રમવામાં આવેલી એશિયા કપની સુપર-4ની મેચમાં ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલે શાનદાર સદી ફટકારી હતી. એક તરફથી ઈન્ડિયાના ખેલાડી આઉટ થતા હતા, ત્યારે શુભમન ગિલ ક્રીઝ પર બીજા છેડેથી સંઘર્ષ કરી રહ્યો હતો. અંતે શુભમન ગિલે 117 બોલ પર 6 ફોર અને 4 સિક્સની મદદથી સદી ફટકારી હતી. આ સાથે ગિલે એક ખાસ ઉપલબ્ધિ પોતાના નામે કરી હતી.
1 હજાર 500થી વધુ રન બનાવ્યા
શુભમન ગિલ આ વર્ષે 1 હજાર 500થી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનારો ખેલાડી બન્યો છે. સાથે જ તે 2013માં 6 સદી ફટકારનારો ખેલાડી પણ બન્યો છે. તે આ વર્ષે 1 હજાર કરતાં વધુ વનડે રન બનાવનારો ખેલાડી બન્યો છે.
ગિલની એવરેજ 50થી વધુ
ગિલની એવરેજ આ વર્ષે 50થી વધુની છે. તેમણે આ વર્ષે માર્ચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટમાં સદી ફટકારી હતી. તે પહેલાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ફેબ્રુઆરીમાં T-20 અને વનડે સાથે જાન્યુઆરીમાં 208 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેમણે આ વર્ષે પોતાની સદીની શરૂઆત શ્રીલંકા વિરુદ્ધ જાન્યુઆરીમાં રમવામાં આવેલા વનડે મેચથી કરી હતી. જે બાદ ગિલના બેટે રન બનાવવા બંધ કર્યા નથી.
44મી ઓવરમાં ગિલ આઉટ થયો
બાંગ્લાદેશ વિરુદ્ધ શાનદાર બેટિંગ કરનારો શુભમન ગિલ 44મી ઓવરમાં આઉટ થયો હતો. મહેંદી હસનની બોલ પર ગિલ આઉટ થયો હતો. આ પ્રકારે ગિલે આ મેચમાં શાનદાર ઈનિંગ રમીને 133 બોલ પર 8 ફોર અને 5 સિક્સની મદદથી 121 રન બનાવ્યા હતા.