• T20 વર્લ્ડકપ 2024માં ભારતનું શાનદાર પ્રદર્શન
  • T20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમનો કેપ્ટન બદલાશે
  • શુભમન ગિલને સોંપવામાં આવી શકે છે ટીમની કમાન

આ દિવસોમાં ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટન્સીમાં T20 વર્લ્ડકપમાં ધૂમ મચાવી રહી છે. ભારતીય ટીમ હવે સેમીફાઈનલમાં પહોંચવાથી માત્ર એક ડગલું દૂર છે. આ વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વેના પ્રવાસે જવાની છે. આ પ્રવાસમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 સિરીઝ રમાશે. BCCI ટૂંક સમયમાં આ સિરીઝને લઈને ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર આ સીરીઝમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટનમાં પણ બદલાવ થવા જઈ રહ્યો છે.

આ ખેલાડી ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હશે

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 6 જુલાઈથી T20 સિરીઝ શરૂ થશે. આ પ્રવાસમાં ટીમ બદલાયેલી જોવા મળશે. આ સિરીઝમાં કોચથી લઈને કેપ્ટન સુધી અલગ-અલગ વસ્તુઓ જોવા મળી શકે છે. હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ટીમ ઈન્ડિયાના શાનદાર યુવા સ્ટાર ખેલાડી શુભમન ગિલને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમની કમાન સોંપવામાં આવી શકે છે.

શુભમન ગિલને વર્લ્ડકપ માટે રિઝર્વ પ્લેયર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, બાદમાં ગિલને બહાર કરવામાં આવ્યો હતો. હવે શુભમન ઝિમ્બાબ્વે સામે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળી શકે છે. આ વખતે IPL 2024માં શુભમન ગિલ પ્રથમ વખત ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો.

આ ખેલાડીઓને મળી શકે છે ડેબ્યૂ કરવાની તક

IPL 2024માં ધમાકેદાર દેખાવ કરનારા ઘણા ખેલાડીઓને ઝિમ્બાબ્વે પ્રવાસ પર ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. જેમાં રાજસ્થાન રોયલ્સના રિયાન પરાગ, સનરાઈઝર્સ હૈદરાબાદના વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્મા, કોલકાતા નાઈટ રાઈડર્સના ફાસ્ટ બોલર હર્ષિત રાણા સામેલ છે. આ સિવાય સંજુ સેમસન, રિંકુ સિંહ, યશસ્વી જયસ્વાલ જેઓ અત્યાર સુધી વર્લ્ડકપ દરમિયાન બેન્ચ પર બેઠેલા જોવા મળ્યા છે તે ઝિમ્બાબ્વે પ્રવાસ પર રમતા જોવા મળશે.

  • Follow us on: