- મહિલા એશિયા કપની સેમિફાઈનલમાં ભારતે બાંગ્લાદેશને હરાવ્યું
- ટીમ ઈન્ડિયાએ એકતરફી જીત હાંસલ કરીને ફાઈનલમાં જગ્યા બનાવી
- મંધાના T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારી ભારતીય મહિલા ખેલાડી
મહિલા એશિયા કપ 2024ની સેમિફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થયો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ એકતરફી જીત હાંસલ કરીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયા માટે રેણુકા સિંહ અને રાધા યાદવે શાનદાર બોલિંગ કરી હતી. જ્યારે ઓપનર સ્મૃતિ મંધાનાએ અણનમ 39 બોલમાં 55 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
સ્મૃતિ મંધાનાએ રચ્યો ઈતિહાસ
બાંગ્લાદેશ સામે રમાયેલી ઇનિંગ્સ દરમિયાન તેણે હરમનપ્રીત કૌરનો મોટો રેકોર્ડ તોડ્યો હતો. તે T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે. તેણે હરમનપ્રીત કૌરનો રેકોર્ડ તોડ્યો છે. આ મેચ પહેલા હરમનપ્રીત કૌરે T20માં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. હવે આ લિસ્ટમાં સ્મૃતિ મંધાના ટોપ પર આવી ગઈ છે. સ્મૃતિ મંધાનાએ 140 મેચમાં 3433 રન બનાવ્યા છે. જ્યારે હરમનપ્રીત કૌરે 172 મેચમાં 3415 રન બનાવ્યા છે.
| નામ | મેચ | ઈનિંગ | રન | એવરેજ |
| સ્મૃતિ મંધાના | 140 | 134 | 3433 | 28.60
|
| હરમનપ્રીત કૌર | 172 | 152 | 3415 | 28.22
|
| મિતાલી રાજ | 89 | 84 | 2364 | 37.52
|
ઈલિટ ક્લબનો બની ભાગમંધાના મહિલા એશિયા કપ T20માં 400 રન પૂરા કરનાર ત્રીજી ભારતીય બની ગઈ છે. તે હરમનપ્રીત કૌર (560) અને મિતાલી રાજ (430) સાથે આ ક્લબમાં જોડાઈ છે. આ સિદ્ધિ મેળવનારી તે છઠ્ઠી બેટ્સમેન છે. મંધાનાએ 26.18ની એવરેજથી 419 રન બનાવ્યા છે.
સેમિફાઇનલમાં બાંગ્લાદેશને કચડ્યું
સેમિફાઇનલમાં ભારતીય મહિલા ટીમે બાંગ્લાદેશને 10 વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની આખી ટીમ માત્ર 80 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રેણુકા ઠાકુરે 4 ઓવરમાં 10 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેના સિવાય રાધા યાદવે 2 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ માત્ર 11 ઓવરમાં જીતી લીધી હતી. આ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.