• ભારત અને શ્રીલંકા 27 જુલાઈથી ત્રણ મેચની T20 સીરીઝ રમાશે
  • ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરને ભારતીય ટીમમાં ના મળી તક
  • વેંકટેશ ઐયરે આ માટે લેંકશાયરની ટીમ સાથે કરાર કર્યો છે

ભારત અને શ્રીલંકા 27 જુલાઈથી ત્રણ મેચની T20 સીરીઝમાં આમને-સામને થવા જઈ રહ્યા છે. ભારતે આ સિરીઝ માટે પોતાની T20 ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપી છે. બધાને આશા હતી કે T20 ટીમનો વિસ્ફોટક ઓલરાઉન્ડર વેંકટેશ ઐયર પણ ભારતીય ટીમમાં વાપસી કરી શકે છે. જોકે, એવું ન થયું અને તે ભારતીય ટીમમાં વાપસી કરી શક્યો નહીં. હવે ભારતીય ટીમમાં સ્થાન ન મળતા વેંકટેશ ઐયરે મોટો નિર્ણય લીધો છે અને કાઉન્ટી ક્રિકેટ રમવાનો નિર્ણય કર્યો છે. ઐયરે આ માટે લેંકશાયરની ટીમ સાથે કરાર પણ કર્યો છે.

વેંકટેશ ઐયર લેંકશાયરમાં જોડાયો

ટીમે જ એક નિવેદન જારી કરીને વેંકટેશ ઐયર લેંકશાયરમાં જોડાયા હોવાની માહિતી આપી હતી. ઐયરે લેંકશાયર સાથે 5 સપ્તાહનો કરાર કર્યો છે. લંકેશાયરમાં જોડાવા પર વેંકટેશ ઐયરે કહ્યું કે, 'મારી ક્રિકેટ કારકિર્દીમાં પ્રથમ વખત ઈંગ્લેન્ડ જવાની અને કાઉન્ટી ક્રિકેટ રમવાની તક મળતાં હું ખૂબ જ ખુશ છું. લેંકશાય એ એક ઐતિહાસિક કાઉન્ટી ક્રિકેટ ક્લબ છે જે ભારતના ઘણા ખેલાડીઓ માટે રમવાનો લાંબો ઇતિહાસ ધરાવે છે. હું ફારુક એન્જિનિયર, સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ અને વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડીઓની જેમ અમીરાત ઓલ્ડ ટ્રેફોર્ડમાં રોઝ કલર્સમાં રમવા માટે ઉત્સુક છું અને સંપૂર્ણ રીતે તૈયાર છું.

વેંકટેશ ઐયરે વધુમાં કહ્યું કે, 'ODI અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ બંનેમાં ઈંગ્લીશ કંડીશન્સમાં મારી કુશળતાને ચકાસવાથી મને ખરેખર ફાયદો થશે. "હું આશા રાખું છું કે હું ચાહકોનું મનોરંજન કરી શકું અને મારા લેંકશાયર સાથી ખેલાડીઓને આ ઉનાળામાં બંને ફોર્મેટમાં તેમના લક્ષ્યાંક હાંસલ કરવામાં મદદ કરી શકું."

ઐયર લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે

વેંકટેશ ઐયર લાંબા સમયથી ભારતીય T20 ટીમમાંથી બહાર છે. તે છેલ્લે 27 ફેબ્રુઆરી 2022ના રોજ ધર્મશાળામાં શ્રીલંકા સામે રમતા જોવા મળ્યો હતો. જો આપણે ઐયરની T20 કારકિર્દી પર નજર કરીએ તો તે અત્યાર સુધીમાં 9 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે બેટથી 133 રન બનાવ્યા છે. જ્યારે તેણે બોલિંગમાં 5 વિકેટ લીધી છે.

  • Follow us on: