- સૌરવ ગાંગુલીએ રોહિત શર્માને લઈને મોટું નિવેદન આપ્યું
- ઈશાન કિશન અને શ્રેયસ ઐયરને લઇ કહી આ વાત
- કોન્ટ્રાક્ટ પ્લેયરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવી જોઈએ
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ટીમ ઈન્ડિયાના વર્તમાન કેપ્ટન રોહિત શર્માને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મેં રોહિત શર્માને કેપ્ટન બનાવ્યો હતો કારણ કે મેં તેનામાં ટેલેન્ટ જોયું હતું. આ સિવાય ગાંગુલીએ ઈશાન કિશન અને શ્રેયસ ઐયરને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર રાખવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. દાદાએ આ વિશે સ્પષ્ટ કહ્યું કે દરેક કોન્ટ્રાક્ટ પ્લેયરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવી જોઈએ. ભારતમાં ક્રિકેટનું આ મૂળભૂત માળખું છે. ગાંગુલીએ ઈશાન કિશન વિશે નિરાશા વ્યક્ત કરતાં કહ્યું કે તેણે મને આશ્ચર્યચકિત કરી દીધો છે.
મેં રોહિત શર્માને કેપ્ટન બનાવ્યો..!
જ્યારે સૌરવ ગાંગુલીને તેના ઈન્ટરવ્યુમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન અને રોહિત શર્માની કેપ્ટનશિપ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, 'મેં રોહિત શર્માને કેપ્ટન બનાવ્યો કારણ કે મેં તેનામાં ટેલેન્ટ જોયું. તે જે રીતે પ્રદર્શન કરી રહ્યો છે તે જોઈને મને આશ્ચર્ય નથી થયું.' આ પછી દાદાએ BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી ઈશાન કિશન અને શ્રેયસ ઐયરને બાકાત રાખવા પર પણ પ્રતિક્રિયા આપી હતી.
દાદાએ શું કહ્યું?
આ અંગે સૌરવ ગાંગુલીએ કહ્યું, 'મને લાગે છે કે BCCI ઈચ્છે છે કે તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમે. શ્રેયસ ઐયર રણજી ટ્રોફી કેમ ન રમ્યો તે જાણીને મને આશ્ચર્ય થયું. આ એક પ્રીમિયર ટુર્નામેન્ટ છે અને તમારે તેમાં રમવું જોઈએ. આ BCCIનો નિર્ણય છે અને તેઓએ જે યોગ્ય લાગ્યું તે કર્યું. કરારમાં સામેલ દરેક ખેલાડીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવું જોઈએ કારણ કે ભારતમાં ક્રિકેટનું આ મૂળભૂત માળખું છે.
ઈશાન કિશનને પણ ગાંગુલીને ચોંકાવ્યા
ઈશાન કિશનના રણજી ન રમવાના નિર્ણયથી સૌરવ ગાંગુલી પણ આશ્ચર્યચકિત જણાતો હતો. તેણે કહ્યું કે તમારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવું જોઈએ. શ્રેયસ ઐયર રણજી ટ્રોફીની સેમિફાઇનલ મેચ રમશે. આ યુવા ખેલાડીઓ છે અને ઈશાનના નિર્ણયથી મને આશ્ચર્ય થયું. તે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. તેની પાસે IPLમાં પણ મોટો કોન્ટ્રાક્ટ છે. મને ખબર નથી કે તેઓએ આવું શા માટે કર્યું. જો તમે ભારત માટે તમામ ફોર્મેટમાં રમો છો તો તમારે રમવું જોઈએ. ન રમવાના તેના નિર્ણયથી મને આશ્ચર્ય થયું હતું.