- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ
- બીજી મેચ 3 જાન્યુઆરી 2024થી કેપટાઉનમાં રમાશે
- પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે શુભમન ગિલને આપી સલાહ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સિરીઝની છેલ્લી મેચ કેપટાઉનમાં રમાશે. જેના માટે ટીમ ઈન્ડિયા પણ કેપટાઉન પહોંચી ગઈ છે. પ્રથમ ટેસ્ટ મેચમાં હાર બાદ હવે ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટમાં વાપસી કરવા ઈચ્છે છે. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ ઘણી નબળી રહી હતી. બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 131 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના કારણે ટીમને ઈનિંગ અને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
પ્રથમ ટેસ્ટમાં ભારતનું ટોપ ઓર્ડર નિષ્ફળ
પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડર બેટ્સમેનોએ ઘણી નિરાશ કરી હતી. વનડેમાં શાનદાર પ્રદર્શન કરનાર શુભમન ગિલ પાસેથી ટીમને ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ ગિલે પણ પોતાની નબળી બેટિંગથી ટીમને નિરાશ કરી હતી. જે બાદ બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે શુભમન ગિલને સલાહ આપી હતી.
ગિલને ગાવસ્કરની સલાહ
શુભમન ગિલની બેટિંગને લઈને સુનીલ ગાવસ્કરે કહ્યું કે જ્યારે તમે ટેસ્ટ ક્રિકેટ રમો છો ત્યારે T20 અને ODI કરતાં તેમાં થોડો તફાવત હોય છે. ટેસ્ટમાં લાલ બોલ હોય છે અને લાલ બોલ સફેદ બોલ કરતાં થોડો વધુ ઉછળે છે. મને લાગે છે કે શુભમન ગિલ ટેસ્ટમાં થોડો આક્રમક રીતે રમી રહ્યો છે. ગિલે તેની કારકિર્દીની શરૂઆત ખૂબ સારી રીતે કરી હતી પરંતુ અમને આશા છે કે હવે તે જલ્દી જ તેના ફોર્મ પર કામ કરશે અને આગામી દિવસોમાં ટીમ માટે શાનદાર પ્રદર્શન કરશે.
પ્રથમ મેચમાં ખરાબ પ્રદર્શન
શુભમન ગિલનું પ્રથમ ટેસ્ટ મેચનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. ગિલે સેન્ચુરિયન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 2 રન અને બીજી ઇનિંગમાં 26 રન બનાવ્યા હતા. એકંદરે, ગિલે પ્રથમ ટેસ્ટમાં 28 રન બનાવ્યા હતા. છેલ્લી 9 ટેસ્ટ ઇનિંગ્સમાં ગિલનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. આ સમયગાળા દરમિયાન તેના બેટમાંથી એક પણ સદી કે ફિફ્ટીની ઇનિંગ્સ જોવા મળી નથી.