• 5 નવેમ્બરે વિરાટ કોહલીનો છે જન્મદિવસ
  • ભારતીય ટીમ આ દિવસે સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમશે મેચ
  • વિરાટ કોહલીના જન્મદિવસની અનોખી રીતે થશે ઉજવણી

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 5 નવેમ્બરે મેચ રમવામાં આવશે. બંને ટીમ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં આમને-સામને આવશે. આ દિવસે વિરાટ કોહલી પોતાનો 35મો જન્મદિવસ ઉજવશે. બંગાળ ક્રિકેટ એસોસિએશને વિરાટ કોહલીના જન્મદિવસને યાદગાર બનાવવા માટે ખાસ તૈયારી કરી છે. આ દિવસે અંદાજે 70 હજાર ફેન્સ સ્ટેડિયમમાં વિરાટ કોહલીના માસ્ક સાથે જોવા મળશે. આ ઉપરાંત સ્ટેડિયમમાં સ્પેશિયલ કેક પણ કાપવામાં આવશે.

વિરાટ કોહલીના જન્મદિવસ પર શું થશે?

વિરાટ કોહલીના જન્મદિવસ પર ઈડન ગાર્ડન્સમાં લેઝર શોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ફટાકડા પણ ફોડવામાં આવશે. આ દિવસે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમવામાં આવશે. રોહિત શર્માના નૈતૃત્વવાળી ભારતીય ટીમ સાઉથ આફ્રિકાને હરાવીને વિરાટ કોહલીને જીતની ભેટ આપવા માંગશે. ભારતીય ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. અત્યાર સુધી ભારતીય ટીમ વર્લ્ડકપમાં 6 મેચ રમી છે. આ તમામ મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે. આ જીત સાથે ભારતીય ટીમના સેમીફાઈનલમાં પહોંચવાની શક્યતા વધી ગઈ છે.

વર્લ્ડકપમાં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં

રવિવારે લખનઉમાં ભારત અને ઈંગ્લેન્ડની ટીમ આમને-સામને હતી. આ મેચમાં વિરાટ કોહલી રન બનાવ્યા વિના આઉટ થયો હતો. જો કે, આ ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. આ સારા ફોર્મ સાથે વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનની યાદીમાં છઠ્ઠા સ્થાને છે. અત્યાર સુધી કોહલીએ 6 મેચમાં 88.50ની એવરેજથી 354 રન બનાવ્યા છે. ભારતીય ફેન્સને આશા છે કે, વિરાટ કોહલી પોતાના જન્મદિવસ પર સાઉથ આફ્રિકા વિરુદ્ધ મોટી ઈનિંગ રમશે.

  • Follow us on: