- શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી મેચની એક ઈનિંગ પૂર્ણ
- શ્રીલંકાએ 50 ઓવરમાં બનાવ્યા 257 રન
- બાંગ્લાદેશ માટે આજની મેચ 'કરો યા મરો'
એશિયા કપ સુપર-4 રાઉન્ડની બીજી મેચ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહી છે. બંને ટીમ વચ્ચે કોલંબોમાં મેચ રમાઈ રહી છે. આ મેચમાં પહેલાં બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમે 50 ઓવર બાદ 257 રન બનાવ્યા છે. જેથી બાંગ્લાદેશને જીતવા માટે 258 રનનો ટાર્ગેટ મળ્યો છે. શ્રીલંકા માટે કુસલ મેંડિસ અને સદીરા સમરવિક્રમાએ 50 રનનો આંકડો પાર કર્યો છે. મેંડિસે પોતાની ઈનિંગમાં 6 ફોર અને 1 સિક્સ ફટકારી છે, જ્યારે સદીરા સમરવિક્રમાએ 72 બોલ પર 93 રન બનાવ્યા છે. આ ખેલાડીએ પોતાની ઈનિંગમાં 8 ફોર અને 2 સિક્સ લગાવી છે. આ પહેલાં બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
સદીરા સમરવિક્રમાએ બનાવ્યા સૌથી વધુ રન
શ્રીલંકાના ઓપનર પથૂમ નિશંકા અને દિમુથ કરૂણારત્નેએ પ્રથમ વિકેટ માટે 34 રન બનાવ્યા હતા. પથૂમ નિશંકાએ 60 બોલ પર 40, જ્યારે દિમુથ કરૂણારત્નેએ 17 બોલ પર 18 રન બનાવ્યા હતા. જે બાદ કુસલ મેંડિસ મહત્વની ઈનિંગ રમ્યો હતો. જો કે, આ બાદ બેટિંગ કરવા આવેલા ચરિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા અને કેપ્ટન દાશુન શનાદા જલ્દી પેવેલિયન પરત આવ્યા હતા, પરંતુ સદીરા સમરવિક્રમાએ એક તરફથી મજબૂત ઈનિંગ સંભાળી હતી.
બાંગ્લાદેશના બોલરનું પ્રદર્શન
બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો, હસન મહમૂદ અને તસ્કીન અહમદે 3-3 વિકેટ મેળવી, જ્યારે શોરિફુલ ઈસ્લામે 2 ખેલાડીઓને આઉટ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, શાકિબ અલ હસનની આગેવાની વાળી બાંગ્લાદેશની ટીમ માટે આ મેચ ખુબ મહત્વની છે. જો બાંગ્લાદેશ આ મેચ હારશે, તો તે એશિયા કપથી બહાર થશે. જેથી બાંગ્લાદેશ માટે આ મેચ કરો યા મરો સમાન છે. આ પહેલાં બાંગ્લાદેશની ટીમ સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાનથી હારી હતી.