- શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું
- વિરાટ કોહલીએ ધવનની નિવૃત્તિ પર પ્રતિક્રિયા આપી
- ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ 2 વર્ષ પહેલા રમ્યો હતો ધવન
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શિખર ધવને ગયા શનિવારે (24 ઓગસ્ટ) આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલા ધવને અચાનક નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. હવે વિરાટ કોહલીએ ધવનની નિવૃત્તિ પર ખૂબ જ રસપ્રદ પ્રતિક્રિયા આપી છે.
ધવનના સંન્યાસને લઇ કોહલીએ આપી પ્રતિક્રીયા
કિંગ કોહલીએ લખ્યું, "શિખર ધવન, તમારા નિર્ભય પદાર્પણથી લઈને ભારતના સૌથી ભરોસાપાત્ર ઓપનિંગ બેટ્સમેનોમાંના એક બનવા સુધી, તમે અમને ઉત્સાહિત કરવા માટે અસંખ્ય યાદો આપી. તમારી રમત પ્રત્યેનો જુસ્સો, તમારી ખેલદિલી અને તમારી ટ્રેડમાર્ક સ્માઇલને યાદ રાખવામાં આવશે, તમારી વિરાસત હંમેશા જીવંત રહેશે, તમારા અવિસ્મરણીય પ્રદર્શન માટે અને હંમેશા દિલથી આગળ વધવા બદલ તમારો આભાર, ઓફ ધ ફિલ્ડ ગબ્બર!”
ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ 2 વર્ષ પહેલા રમ્યો હતો શિખર ધવન
તમને જણાવી દઈએ કે શિખર ધવને ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ ડિસેમ્બર 2022માં રમી હતી, જે બાંગ્લાદેશ સામે રમાયેલી ODI હતી. આ પછી શિખર ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન પાછું મેળવી શક્યો નહીં અને આખરે તેણે સંન્યાસ લેવાનો નિર્ણય કરવો પડ્યો.
ધવનનું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન
નોંધનીય છે કે ધવને 2010 થી 2022 સુધી ટીમ ઈન્ડિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી હતી. તેણે ઑક્ટોબર 2010માં ઑસ્ટ્રેલિયા સામેની ODIમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તે ભારત માટે ત્રણેય ફોર્મેટ રમ્યો હતો. ધવને કુલ 34 ટેસ્ટ, 167 ODI અને 68 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટમાં તેણે 40.61ની એવરેજથી 2315 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે ODIમાં 44.11ની એવરેજથી 6793 રન બનાવ્યા અને T20 ઈન્ટરનેશનલમાં 27.92ની એવરેજ અને 126.36ની સ્ટ્રાઈક રેટથી 1759 રન બનાવ્યા. ધવને ટેસ્ટ ક્રિકેટમાં 7 સદી અને ODI ક્રિકેટમાં 17 સદી ફટકારી છે.