• ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ ફોર્મમાં પાછો ફર્યો
  • BBLમાં બે મેચમાં બે સદી ફટકારી, ટેસ્ટ શ્રેણી માટે તૈયાર
  • ભારત સામે સ્મિથનો મજબૂત રેકોર્ડ, 9 ફેબ્રુઆરીથી ટેસ્ટ સિરીઝ

ભારતે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન આ સિરીઝ પહેલા ફોર્મમાં પરત ફર્યા છે અને ટીમ ઈન્ડિયા માટે તે મુશ્કેલ બાબત છે.

સ્ટીવ સ્મિથ ફોર્મમાં પાછો ફર્યો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફેબ્રુઆરીમાં શરૂ થનારી ટેસ્ટ સિરીઝમાં હવે થોડો સમય બાકી છે. ભારતીય ટીમનો આ પડકાર ન્યુઝીલેન્ડ સામેની ODI અને T20 સિરીઝની સમાપ્તિ બાદ શરૂ થવા જઈ રહ્યો છે. પરંતુ આ સિરીઝ શરૂ થાય તે પહેલા જ ટીમ ઈન્ડિયાની ચિંતા વધી ગઈ છે, કારણ કે ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ ફોર્મમાં પાછો ફર્યો છે.


બિગ બેશ લીગમાં બે મેચમાં બે સદી

સ્ટીવ સ્મિથ આ દિવસોમાં બિગ બેશમાં રમી રહ્યો છે અને તેણે તેની છેલ્લી બે મેચમાં બે સદી ફટકારી હતી. 21 જાન્યુઆરીએ રમાયેલી મેચમાં સ્ટીવ સ્મિથે અણનમ 125 રન બનાવ્યા હતા, તેણે માત્ર 66 બોલ રમ્યા હતા અને આ દરમિયાન તેના બેટમાંથી 5 ચોગ્ગા, 9 છગ્ગા નીકળ્યા હતા. આ પહેલા તેણે 101 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેના બેટમાંથી 5 ફોર અને 7 સિક્સ આવી હતી.

ટીમ ઈન્ડિયા સામે રનનો વરસાદ થશે!

સ્ટીવ સ્મિથને વર્તમાન સમયના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક ગણવામાં આવે છે અને તે ફેબ-4નો પણ એક ભાગ છે. ભારત સામે સ્ટીવ સ્મિથનો રેકોર્ડ પણ ઘણો મજબૂત છે, જોકે ફેબ્રુઆરીમાં ભારત સામેની શ્રેણી પહેલા તેની ફિટનેસને લઈને સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ સ્ટીવ સ્મિથે કહ્યું છે કે તે શ્રેણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.


ભારત વિરૂદ્ધ 14 ટેસ્ટમાં સ્મિથના 1742 રન

સ્ટીવ સ્મિથના રેકોર્ડ પર નજર કરીએ તો તેણે 92 ટેસ્ટ મેચમાં 60થી વધુની એવરેજથી 8647 રન બનાવ્યા છે. સ્ટીવ સ્મિથના નામે 30 ટેસ્ટ સદી અને 37 અડધી સદી છે. ભારત વિરૂદ્ધ તેના ટેસ્ટ રેકોર્ડ પર નજર કરીએ તો તેણે અત્યાર સુધીમાં કુલ 14 ટેસ્ટ રમી છે જેમાં 1742 રન બનાવ્યા છે. સ્ટીવ સ્મિથે ભારત સામે 8 સદી અને 5 અડધી સદી ફટકારી છે.

ભારત vs ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણી:

• પ્રથમ મેચ - 9-13 ફેબ્રુઆરી, નાગપુર

• બીજી મેચ - 17-21 ફેબ્રુઆરી, દિલ્હી

• ત્રીજી મેચ - 1-5 માર્ચ, ધર્મશાલા

• ચોથી મેચ - 9-13 માર્ચ, અમદાવાદ

  • Follow us on: