- બુમરાહ ટીમમાં હોય છે ત્યારે સ્થિતિ બદલાઈ જાય છે
- મેનેજમેન્ટે 19મી ઓવરનો વિકલ્પ શોધવાની જરૂર: ગાવસ્કર
- ભુવનેશ્વરે ઓસ્ટ્રેલિયા સામે 19મી ઓવરમાં 16 રન આપ્યા
ભારતના દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે ઓસ્ટ્રેલિયા ખાતે આગામી મહિને રમાનારા ICC T20 વર્લ્ડકપ પહેલાં સિનિયર પેસ બોલર ભુવનેશ્વર કુમારનું ડેથ ઓવર્સમાં ખાસ કરીને 19મી ઓવર્સનું પ્રદર્શન ભારત માટે વાસ્તવિક ચિંતાનો વિષય બન્યો છે. ભુવનેશ્વરે છેલ્લી કેટલીક ડેથ ઓવર્સમાં ઘણા બધા રન આપી દીધા છે. મંગળવારે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T20માં 19ની ઓવરમાં તેણે 16 રન આપ્યા હતા જેના કારણે ઓસ્ટ્રેલિયાએ 209 રનનો વિક્રમી રનચેઝ કરીને વિજય હાંસલ કર્યો હતો.

19મી ઓવર ચિંતાનો વિષય
ગાવસ્કરે જણાવ્યું હતું કે મેચ દરમિયાન મોહાલીમાં વધારે પડતી ઝાકળ પડી હોય અને બોલર્સને મુશ્કેલી નડી હોય તેવું મને લાગતું નથી. ભારતના ફિલ્ડર્સે કે બોલર્સ પોતાની આંગળીઓને સૂકવવા માટે ટોવેલનો ઉપયોગ કરતા હોય તેવું ક્યારેય જોવા મળ્યું નહોતું. આ કોઈ બહાનું નથી અને ભારતીય બોલર્સે ગેમપ્લાન વિના બોલિંગ કરી છે તે ચોક્કસ છે. 19મી ઓવર છેલ્લી ચાર પાંચ મેચથી ચિંતાનો વિષય બન્યો છે અને કોચ દ્રવિડ અને સુકાની રોહિતે આ સમસ્યાનો જલદીથી ઉકેલ લાવવો પડશે.

ભારત સારા સ્કોરને ડિફેન્ડ કરવામાં નિષ્ફળ
ભુવનેશ્વર જેવા સિનિયર તથા અનુભવી બોલરને જ્યારે પણ બોલ સોંપવામાં આવે છે ત્યારે તે ખર્ચાળ બન્યો છે તેમ ભારપૂર્વક જણાવીને ગાવસ્કરે ઉમેર્યું હતું કે તેણે પાકિસ્તાન, શ્રીલંકા અને હવે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચના 18 બોલમાં (19મી ઓવરમાં બોલિંગ કરતી વખતે) 49 રન આપી દીધા છે. આ લગભગ પ્રતિ બોલ ત્રણ રનની સરેરાશ છે. તેના જેવો અનુભવ તથા ક્ષમતા ધરાવતા બોલર પાસેથી આ પ્રકારની એવરેજની અપેક્ષા રાખી શકાતી નથી. આ વાસ્તવિક ચિંતાનો વિષય છે. ગાવસ્કરે જણાવ્યું હતું કે ભારત સારા સ્કોરને ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહ્યું છે. જોકે બુમરાહના પુનરાગમનથી બોલિંગ વિભાગ મજબૂત થશે તેમાં કોઈ શંકા નથી. તે જ્યારે પણ ઈજાગ્રસ્ત થયો છે ત્યારે ભારતને નુકસાન જ થયું છે અને બોલિંગ આક્રમણ પણ નબળું પડયું છે. બુમરાહ ટીમમાં હોય છે ત્યારે પરિસ્થિતિ બદલાઈ જાય છે કારણ કે તે ટોચના ક્રમની વિકેટો ઝડપે છે પરંતુ આ વર્લ્ડ ચેમ્પિયન ટીમ છે તે ભૂલવું જોઈએ નહીં.