• રોહિતે વર્લ્ડકપ પહેલાં રિધમ અને ફોર્મ હાંસલ કરવા જણાવ્યું
  • પ્રથમ T20માં 200 પ્લસ સ્કોર છતાં ભારતીય ટીમનો પરાજય
  • છેલ્લી ચાર ઓવરમાં અમે મેચ હારી ગયા હતા: રોહિત શર્મા

ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ T20 મેચની પ્રથમ મેચમાં 200 પ્લસનો સ્કોર કર્યો હોવા છતાં ભારતીય ટીમે ચાર વિકેટે પરાજયનો સામનો કરવો પડયો હતો. ભારતે નોંધાવેલા 208ના સ્કોરને યજમાન બોલર્સ ડિફેન્ડ કરી શક્યા નહોતા. હારથી હતાશ થયેલા સુકાની રોહિત શર્માએ બોલર્સને પરાજય માટે જવાબદાર ગણાવીને કહ્યું હતું કે વર્લ્ડકપ પહેલાં બોલર્સે પોતાની ભૂલો સુધારીને રિધમ અને ફોર્મ હાંસલ કરવું પડશે. અમારા બોલર્સે સારી બોલિંગ કરી નહોતી તે સત્ય છે. 200 રનનો સ્કોર મેચવિનિંગ હોય છે પરંતુ મેદાનમાં અમે તક ઝડપી શક્યા નહોતા. અમારા બેટ્સમેનોએ શાનદાર સ્કોર નોંધાવ્યો હતો પરંતુ બોલર્સે ખરાબ પ્રદર્શન કર્યું હતું જેના કારણે અમે 200 પ્લસ સ્કોરનું રક્ષણ કરી શક્યા નહોતા.


રોહિત શર્માએ બોલરોને આપી ચેતવણી

રોહિતે જણાવ્યું હતું કે મેચમાં અમારાથી કઈ ભૂલો થઈ હતી તેની સમીક્ષા કરવી જરૂરી છે. મોહાલી હાઇસ્કોરિંગ ગ્રાઉન્ડ છે તે અમે સારી રીતે જાણતા હતા. આ પ્રકારના મેદાનોમાં 200 રનનો સ્કોર પણ તમને વિજયની ગેરંટી આપતો નથી. અમે કેટલીક હદ સુધી મેચમાં હતા પરંતુ છેલ્લી ચાર ઓવરમાં અમે મુકાબલામાંથી બહાર થઈ ગયા હતા. ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ પણ કેટલાક શાનદાર શોટ્સ રમ્યા હતા. અંતિમ ઓવર્સમાં વિકેટ ઝડપી ના શક્યા તે ટર્નિંગ પોઇન્ટ બન્યો હતો. અમે વધુ એક ઝડપી હોત તો મેચનું પરિણામ પણ અલગ આવ્યું હોત. બીજી મેચ પહેલાં અમારે બોલિંગ અંગે વિચારવાની જરૂર છે.


હતાશામાં રોહિતે કાર્તિકની ગરદન પકડી

ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન સુકાની રોહિત મેદાનમાં તનાવભરી સ્થિતિમાં દેખાતો હતો. તેણે મેચ દરમિયાન વિકેટકીપર દિનેશ કાર્તિકની ગરદન પકડીને તેને હચમચાવી નાખ્યો હતો. અંદાજ ભલે મજાકભર્યો લાગતો હોય પરંતુ તે સમયની તેની આક્રમકતા અલગ પ્રકારની હતી. એશિયા કપ દરમિયાન પણ રોહિત અર્શદીપ, હાર્દિક અને ભુવનેશ્વર ઉપર જાહેરમાં ગુસ્સો વ્યક્ત કરતો હોય તેવું દેખાયું હતું. ભારતીય ફિલ્ડર્સે અણીના સમયે કેચ છોડયા હોવાથી પણ રોહિત વધારે હતાશ થયો હતો.  

  • Follow us on: