• T20 વર્લ્ડકપ 2024 બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ઘણી હલચલ જોવા મળી
  • બાબર આઝમની કેપ્ટનશીપ પર સવાલો ઉઠી રહ્યા છે
  • બાબર આઝમે મોહમ્મદ આમિરને પ્યાદુ બનાવ્યો

T20 વર્લ્ડકપ 2024 બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ઘણી હલચલ જોવા મળી રહી છે. ખાસ કરીને બાબર આઝમની કેપ્ટનશીપ પર સવાલો ઉઠી રહ્યા છે. સુકાની પદેથી તેને હટાવવાની પણ માંગ ઉઠી છે. તાજેતરમાં જ પાકિસ્તાની ટીમના મુખ્ય કોચ ગેરી કર્સ્ટને પણ ટીમની અંદર પરસ્પર મતભેદની વાતોનો સ્વીકાર કર્યો છે.

બાબરે ટીમમાં કર્યું રાજકારણ

હવે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર બાસિત અલી પણ કૂદી પડ્યા છે. બાસિત અલીનું માનવું છે કે બાબર આઝમે મોહમ્મદ આમિરને પ્યાદુ બનાવીને શાહીન આફ્રિદી પર દબાણ કર્યું હતું. પાકિસ્તાન ટીમમાં જૂથવાદના સમાચાર સૌથી પહેલા ત્યારે સામે આવ્યા જ્યારે દિગ્ગજ ક્રિકેટર વસીમ અકરમે દાવો કર્યો હતો કે બાબર આઝમ અને શાહીન આફ્રિદી વચ્ચેની વાતચીત બંધ થઈ ગઈ છે.

પાકિસ્તાન ટીમમાં જૂથવાદ

હવે બાસિત અલી અનુસાર બાબરે ખોટા ઈરાદાઓ સાથે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને ટી20 વર્લ્ડકપ 2024ની ટીમમાં મોહમ્મદ આમિરનો સમાવેશ કરવા માટે મનાવ્યો હતો. બાબરે આ બધું શાહીન પર દબાણ લાવવા માટે કર્યું છે. અલીએ એવો પણ દાવો કર્યો હતો કે પસંદગી સમિતિ ખોટા હાથમાં છે કારણ કે પસંદગીકારો એવા ખેલાડીઓની પસંદગી કરી રહ્યા છે જેમને તેઓ વ્યક્તિગત રીતે પસંદ કરે છે. દરમિયાન, ચીફ સિલેક્ટર વહાબ રિયાઝ અને બાબર આઝમ વચ્ચે અહમ યુદ્ધ પણ ચર્ચાનો વિષય છે.

લંડનમાં રજાઓ માણી રહ્યા છે બાબર આઝમ

પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડકપ 2024માંથી બહાર થઈ ગઈ છે. બાબર આઝમ એન્ડ કંપની યુએસએ સામે પ્રથમ અપસેટનો શિકાર બની હતી. જે બાદ પાકિસ્તાનની ટીમને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે પાકિસ્તાને આગામી બે મેચોમાં કેનેડા અને આયર્લેન્ડને હરાવ્યું હતું, પરંતુ ભારત અને યુએસએના હાથે પરાજયની પાકિસ્તાનને ભારે કિંમત ચૂકવવી પડી હતી. જેના કારણે પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. ટૂર્નામેન્ટ ખતમ થયા બાદ ટીમના ઘણા ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા છે, પરંતુ બાબર આઝમ અને મોહમ્મદ આમિર સહિત 6 ખેલાડીઓ હાલમાં લંડનમાં રજાઓ માણી રહ્યા છે.

  • Follow us on: