• T20 વર્લ્ડકપમાં આજે ભારતની અમેરિકા સાથે ટક્કર
  • બન્ને ટીમોએ 2-2 મેચમાં જીત મેળવી છે
  • આજે જીતશે તે ટીમની સુપર– 8માં એન્ટ્રી થશે

T20 વર્લ્ડકપ 2024માં આજે ભારતનો મુકાબલો યજમાન અમેરિકન ટીમ સાથે થશે. ભારત અને USA બંને આ મેચ જીતીને સુપર-8માં પોતાનો પ્રવેશ સુનિશ્ચિત કરવા ઈચ્છે છે. ભારતીય ટીમના પ્રદર્શનની દૃષ્ટિએ આ મેચ ખૂબ જ સરળ છે. પરંતુ યજમાન USAની ટીમે તેની પ્રથમ બે મેચમાં જે રીતે પ્રદર્શન કર્યું છે. આ કારણે ભારતીય ટીમ USAની ટીમને હળવાશથી લેવાની ભૂલ નહીં કરે.

ભારત સુપર 8માં કરી શકે છે એન્ટ્રી

આ મેચ જીતીને ભારત સુપર-8માં પ્રવેશવાની સાથે પોતાની ગતિ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. ભારતીય ટીમ માટે આ મેચ ભલે આસાન હોય, પરંતુ USAની ટીમમાં એવા ઘણા ખેલાડીઓ છે જે ભારતીય ટીમને ટક્કર આપી શકે છે. ચાલો જાણીએ USAની ટીમમાં એવા 5 ખેલાડી કોણ છે, જે ભારતીય ટીમને ચોંકાવી શકે છે.

મોનાંક પટેલ

મોનાંક પટેલ USA ટીમના કેપ્ટન છે. તે ભારતીય મૂળનો અમેરિકન ખેલાડી છે. તેમનો જન્મ ગુજરાતના આણંદ જિલ્લામાં થયો હતો. મોનાંક પટેલે અમેરિકન ટીમનું નેતૃત્વ કરતાં આ ટુર્નામેન્ટમાં ઊંડી છાપ છોડી છે. મોનાંકે કેનેડા સામે 16 રન અને પાકિસ્તાન સામે 38 બોલમાં 50 રન બનાવીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. મોનાંક પટેલની કારકિર્દીની વાત કરીએ તો તે કુલ 27 T20 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 129.67ની સ્ટ્રાઈક રેટથી 507 રન બનાવ્યા છે. જેમાં તેની 3 અડધી સદી પણ સામેલ છે. મોનાંક પટેલ જે લય સાથે રમી રહ્યો છે તે USA ભારતીય ટીમ સામે પણ સારો સ્કોર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.


એરોન જોન્સ

એરોન જોન્સ અમેરિકાના બાર્બાડોસનો રહેવાસી છે. તેણે T20 વર્લ્ડકપ 2024માં પોતાના પ્રદર્શનથી ઊંડી છાપ છોડી છે. એરોને કેનેડા સામે 40 બોલમાં 94 રનની ઇનિંગ અને પાકિસ્તાન સામે 26 બોલમાં 36 રનની ઇનિંગ રમીને પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે. તે બંને વખત નોટઆઉટ રહ્યો છે. ચોથા નંબર પર બેટિંગ કરવા આવનાર એરોન જોન્સ ટીમના સ્કોરને ઝડપી ગતિએ આગળ લઈ જાય છે. પાકિસ્તાનના બોલરો પણ એરોન જોન્સ સામે નિસ્તેજ સાબિત થયા છે. એરોન જોન્સે તેની કારકિર્દીમાં અત્યાર સુધી કુલ 28 T20 મેચ રમી છે. આમાં તેણે 118.16ના સ્ટ્રાઈક રેટથી કુલ 514 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 6 વિકેટ પણ લીધી છે. ભારતીય બોલરો સામે એરોન જોન્સને આઉટ કરવાનો અને તેના રન સ્કોરિંગ રેટને નિયંત્રિત કરવાના પડકારનો સામનો કરવો પડશે.

એન્ડ્રીસ ગૌસ

અમેરિકન બેટ્સમેન એન્ડ્રીસ ગૌસે પણ આ ટૂર્નામેન્ટમાં કેનેડા સામે 46 બોલમાં 65 રન અને પાકિસ્તાન સામે 26 બોલમાં 35 રન બનાવીને પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. એન્ડ્રીસ ગૌસે તેની કારકિર્દીમાં અત્યાર સુધી માત્ર 8 ટી20 મેચ રમી છે પરંતુ તેનો સ્ટ્રાઈક રેટ શાનદાર રહ્યો છે. તેણે તેની 8 ટી20 મેચમાં 3 વખત અડધી સદી પણ ફટકારી છે. આ 8 મેચમાં એન્ડ્રીસ ગૌસના બેટથી 261 રન બનાવ્યા છે. ભારતીય ટીમના બોલરોને પણ એન્ડ્રીસ ગૌસના પડકારનો સામનો કરવો પડશે.

સૌરભ નેત્રાવલકર

સૌરભ નેત્રાવલકર પણ ભારતીય મૂળના અમેરિકન ક્રિકેટર છે. તેણે મુંબઈ માટે રણજી મેચ પણ રમી છે. સૌરભ નેત્રાવલકરે જ પાકિસ્તાન સામે સુપર ઓવરમાં સારી બોલિંગ કરીને USAની ટીમને જીત અપાવી હતી. સૌરભ નેત્રાવલકરે પણ પાકિસ્તાન સામે તેની 4 ઓવરના સ્પેલમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે 18 રનમાં 2 વિકેટ લીધી હતી. આ વિકેટો પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીઓ મોહમ્મદ રિઝવાન અને ઈફ્તિખાર અહેમદની હતી. સૌરભ નેત્રાવલકરે તેની કારકિર્દીમાં અત્યાર સુધી કુલ 29 T20 મેચ રમી છે. જેમાં તેણે 6.63ની ઈકોનોમી સાથે 29 વિકેટ લીધી છે. એક વખત તેણે 5 વિકેટ પણ લીધી છે. અમેરિકન ટીમનો આ બોલર ભારતીય ટીમ સામે પણ પોતાના પ્રદર્શનથી ચોંકાવી શકે છે.


કોરી એન્ડરસન

ન્યૂઝીલેન્ડનો આ ભૂતપૂર્વ ઓલરાઉન્ડર હવે અમેરિકા તરફથી રમી રહ્યો છે. કોરી એન્ડરસનને મોટી ટીમો સામે રમવાનો ઘણો અનુભવ છે. આ સાથે કોરી એન્ડરસન પાસે આઈપીએલ મેચોનો પણ અનુભવ છે. ભારતીય ખેલાડીઓમાં ઘણો સમય વિતાવવાને કારણે તે ભારતીય ખેલાડીઓની વ્યૂહરચનાથી પણ ઘણી હદ સુધી વાકેફ છે. કોરી એન્ડરસને આ વર્લ્ડકપમાં કેનેડા સામે માત્ર 5 બોલ રમ્યા છે, જ્યારે તેને પાકિસ્તાન સામે બેટિંગ કરવાની તક મળી નથી. ટીમનો સૌથી અનુભવી ખેલાડી હોવાના કારણે તે કોઈપણ બાબતમાં અપસેટ સર્જવામાં માહિર છે. જો કોરી એન્ડરસનને ભારતીય ટીમ સામે તક મળે છે તો તે પોતાના પ્રદર્શનથી ભારતીય ટીમને ઝટકા આપતો જોવા મળી શકે છે.

 

  • Follow us on: