- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી સુપર-8 મેચમાં બાંગ્લાદેશનો એક અનુભવી ખેલાડી ઊંઘતો રહ્યો
- આ માટે ટીમ મેનેજમેન્ટે આ ખેલાડીને સજા પણ કરી હતી
- ત્યારબાદ આ ખેલાડી પોતાના સાથી ખેલાડીઓની માફી માંગી રહ્યો છે
ટી20 વર્લ્ડકપ 2024 પૂર્ણ થઈ ગયો છે. આ દરમિયાન એક હેરાન કરનારા સમાચાર સામે આવ્યા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સુપર-8 ગ્રૂપ મેચમાં બાંગ્લાદેશે તેના સ્ટાર બોલર અને ટીમના વાઈસ-કેપ્ટન તસ્કીન અહેમદને પ્લેઈંગ-11માંથી બહાર કરી દીધો હતો. હવે આ ખેલાડીને પ્લેઈંગ-11માંથી કેમ બહાર કરવામાં આવ્યો તે બાબત સામે આવી છે.
ટી20 વર્લ્ડકપ 2024 સમાપ્ત થઈ ગયો છે. ભારતીય ટીમે ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ દરમિયાન એક સમાચાર સામે આવી રહ્યા છે જે હેરાન કરનારા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી સુપર-8 મેચમાં બાંગ્લાદેશનો એક અનુભવી ખેલાડી ઊંઘતો રહ્યો, જેના કારણે તે તેની બસ ચૂકી ગયો. આ માટે ટીમ મેનેજમેન્ટે આ ખેલાડીને સજા પણ કરી હતી. જે બાદ હવે આ ખેલાડી પોતાના સાથી ખેલાડીઓની માફી માંગી રહ્યો છે.
કોણ છે આ દિગ્ગજ ખેલાડી?
ભારત સામેની મેચ પહેલા જે ખેલાડી મોડે સુધી સૂતો હતો, તે બાંગ્લાદેશનો સ્ટાર બોલર તસ્કીન અહેમદ છે. તસ્કીન અહેમદ બાંગ્લાદેશની ટી-20 ટીમનો વાઈસ કેપ્ટન પણ છે. તસ્કીન અહેમદે ટી20 વર્લ્ડકપ 2024માં 7 મેચમાં કુલ 8 વિકેટ લીધી હતી. તસ્કીન અહેમદે ગ્રુપ સ્ટેજમાં શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ સામેની મેચમાં 2-2 વિકેટ લીધી હતી. આ શાનદાર પ્રદર્શનથી સુપર-8માં તેની દાવેદારી ઘણી મજબૂત હતી.
ભારત સામે ન મળી તક
જ્યારે બાંગ્લાદેશની ટીમ સુપર-8માં ભારતનો સામનો કરી રહી હતી, ત્યારે ટોસ બાદ કેપ્ટને જાહેરાત કરી હતી કે પ્લેઈંગ-11માં ફેરફાર છે. ટીમના ફાસ્ટ બોલર તસ્કીન અહેમદની જગ્યાએ જેકર અલીને પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ફેન્સ આ ફેરફારથી હેરાન થઈ ગયા, કારણ કે તસ્કીન અહેમદ સારા ફોર્મમાં હતો અને તે ભારત સામે સારું રમી શક્યો હોત. ફેન્સ તે સમયે કંઈ સમજી શક્યા ન હતા. પરંતુ હવે આ મામલો સામે આવ્યો છે કે તસ્કીન અહેમદને ટીમમાં જગ્યા કેમ નથી મળી.
તસ્કીન અહેમદ બસ ચૂકી ગયો
બાંગ્લાદેશ અને ભારત વચ્ચે 22 જૂને મેચ રમાઈ હતી. સુપર-8ની આ મેચ બાંગ્લાદેશ માટે ઘણી મહત્વની હતી. બાંગ્લાદેશની ટીમ આ મેચમાં ભાગ લેવા માટે સવારે સ્ટેડિયમ જવા રવાના થઈ હતી. ટીમના તમામ ખેલાડીઓ અને સહાયક સ્ટાફ બસમાં આવીને બેસી ગયો હતો. આ દરમિયાન ફાસ્ટ બોલર તસ્કીન અહેમદની રાહ જોવાઈ રહી હતી. તસ્કીન અહેમદ કોઈનો ફોન ઉપાડતો ન હતો.
બાંગ્લાદેશના કોચ ચંડિકા હથુરુસિંઘા ટીમ સાથે સ્ટેડિયમ માટે રવાના થયા હતા અને તસ્કીન અહેમદને પ્લેઈંગ-11માં સ્થાન આપવામાં આવ્યું ન હતું. એક સ્પોર્ટ્સ વેબસાઈટ મુજબ તસ્કીન અહેમદ સૂઈ રહ્યો હતો. જ્યારે તે નીચે પહોંચ્યો ત્યારે બસ જતી રહી હતી. આ પછી તે જાતે જ સ્ટેડિયમ પહોંચ્યો હતો. પરંતુ અફઘાનિસ્તાન સામેની આગામી મેચમાં તસ્કીન અહેમદને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તેને 1 વિકેટ પણ લીધી હતી.
તસ્કીને માફી માંગી
મીડિયા રિપોર્ટ્સ મુજબ તસ્કીન અહેમદે મોડેથી જાગવાની અને બસ ચૂકી જવાની ઘટના માટે માફી માંગી છે. માફી માંગવાની સાથે તસ્કીન અહેમદે પોતાના સાથી ખેલાડીઓને પણ અપીલ કરી હતી કે આ ઘટનાને અહીં જ ખતમ કરી દેવી જોઈએ અને તેને મુદ્દો ન બનાવવો જોઈએ.
Image: X