- ભારત અને આયર્લેન્ડ વચ્ચે 5 જૂને મેચ રમાઈ હતી
- ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડીને લઈને કન્ફ્યુઝન છે
- કોહલી પહેલી મેચમાં ઓપનિંગ કરતી વખતે ફ્લોપ રહ્યો
ભારત અને આયર્લેન્ડ વચ્ચે 5 જૂને મેચ રમાઈ હતી. જે ટીમ ઈન્ડિયા આસાનીથી જીતી ગઈ હતી. આ મેચ પહેલા જેવી રીતે ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડીને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી, તે જ મેચ દરમિયાન જોવા મળી હતી. ટીમ ઇન્ડિયા માટે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઇનિંગની શરૂઆત કરી હતી. રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી તો વિરાટ કોહલી પહેલી જ મેચમાં ઓપનિંગ કરતી વખતે ફ્લોપ રહ્યો હતો. જે બાદ હવે વિરાટ કોહલીને લઈને પૂર્વ ભારતીય દિગ્ગજનું નિવેદન સામે આવ્યું છે.
સુનીલ ગાવસ્કરની પ્રતિક્રિયા
વિરાટ કોહલી આયર્લેન્ડ સામે ઓપનિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન વિરાટ 5 બોલમાં માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ સ્ટાર સ્પોર્ટ્સ પર બોલતા સુનીલ ગાવસ્કરે કહ્યું કે હું માનું છું કે વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ અને બાબર આઝમ જેવા મોટા ખેલાડીઓ એક મેચમાં નિષ્ફળ ગયા બાદ આગામી મેચમાં તેની ભરપાઈ કરવાનું વિચારે છે. આ ખેલાડીઓ આગામી મેચમાં ડબલ રન બનાવવા માંગે છે. કોહલી આયર્લેન્ડ સામે રન બનાવી શક્યો ન હતો પરંતુ હવે તેના માટે ડબલ રન બનાવવા માટે પાકિસ્તાનથી સારી કોઈ તક નહીં હોય.
ભારતની 8 વિકેટે જીત
આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આયરિશ ટીમ 16 ઓવરમાં માત્ર 96 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગ કરતી વખતે હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલે પણ શાનદાર બોલિંગ કરી હતી. બુમરાહે 2, સિરાજ અને અક્ષરે 1-1 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાએ 99 રનનો ટાર્ગેટ 12.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી બેટિંગ કરતી વખતે કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 52 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય રિષભ પંતે 36 રન બનાવ્યા હતા.