- ભારતે સેમિફાઈનલમાં સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું
- ટીમ ઇન્ડિયાએ ગ્રુપ-2માં ટોચનું સ્થાન હાસિલ કર્યું
- લિટન દાસના લડાયક 60 રન, અર્શદીપ-હાર્દિકની બે વિકેટ
T20 વર્લ્ડકપમાં સુપર-12 રાઉન્ડના 23માં મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને 5 રને હરાવ્યું હતું. અંતિમ ઓવર સુધી ચાલેલી અત્યંત રોમાંચક મેચમાં ભારતે જીત મેળવી ગ્રુપ-2માં ટોચનું સ્થાન હાસિલ કર્યું હતું, ભારતે આ સાથે જ T20 વર્લ્ડકપ 2022ના સેમિફાઈનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. વરસાદ બાદ 16 ઓવરમાં 151 રનનો પીછો કરતા બાંગ્લાદેશની ટીમ ટાર્ગેટ હાસિલ કરવામાં નિષ્ફળ રહી હતી. બાંગ્લાદેશ તરફથી લિટન દાસે સૌથી વધુ 60 રન બનાવ્યા હતા જ્યારે ભારતના હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહે બે-બે વિકેટ ઝડપી હતી.
વરસાદના કારણે મેચ અટકી પડી
ભારત-બાંગ્લાદેશ વચ્ચે T20 વર્લ્ડકપમાં આજના અતિ મહત્વપૂર્ણ મુકાબલામાં વરસાદે ખલેલ પહોંચાડી હતી. વરસાદની આગાહી વચ્ચે શરૂ થયેલ આજની મેચમાં 185 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ બાંગ્લાદેશની ટીમના સાત ઓવર બાદ 66 રન થઇ ગયા હતા, એવામાં અચાનક વરસાદ શરૂ થતા મેચ અધવચ્ચે જ અટકાવવામાં આવી હતી. જે બાદ વરસાદ બંધ થતા બાંગ્લાદેશને મેચ જીતવા 16 ઓવરમાં 151 રનનો ટાર્ગેટ મળ્યો હતો. 
કોહલી-રાહુલની દમદાર ફિફ્ટી
સુપર-12 રાઉન્ડમાં આજના બીજા મુકાબલામાં બાંગ્લાદેશ સામે ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતા ભારતે વિરાટ કોહલી અને કેએલ રાહુલની દમદાર ફિફ્ટીના સહારે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 184 રન બનાવ્યા હતા અને બાંગ્લાદેશને જીતવા 185 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કોહલીએ 44 બોલમાં 64 અને રાહુલે 32 બોલમાં 50 રન ફટકાર્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવે 16 બોલમાં ઉપયોગી 30 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી હસન મહમુદે સૌથી વધુ ત્રણ અને શાકિબ અલ હસને બે વિકેટ ઝડપી હતી.

ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય
આજે T20 વર્લ્ડકપ 2022ના સુપર-12 રાઉન્ડના 23માં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થશે. બંને ટીમો માટે સેમિફાઈનલમાં પ્રવેશવાની રેસમાં રહેવા જીત ખૂબ જ જરૂરી છે. મેચ પહેલા બંને દેશના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો જેમાં બાંગ્લાદેશના સુકાની શાકિબ અલ હસને ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
બંને ટીમની પ્લેઇંગ 11:
ભારત:
કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ
બાંગ્લાદેશ:
નજમુલ હુસૈન શાંતો, લિટન દાસ, શાકિબ અલ હસન (કેપ્ટન), અફીફ હુસૈન, યાસિર અલી, મોસાદ્દેક હુસૈન, શોરીફુલ ઈસ્લામ, નુરુલ હસન (વિકેટકીપર), મુસ્તફિઝુર રહેમાન, હસન મહમુદ, તસ્કીન અહેમદ