- T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે
- ઓસ્ટ્રેલિયા મિચેલ માર્શની ઈજાને લઈને ચિંતિત
- એન્ડ્ર્યુ મેકડોનાલ્ડે ઈજાને લઈને આપ્યું મોટું અપડેટ
T20 વર્લ્ડકપ માટે ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જૂનમાં યોજાનાર વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ કેપ્ટન મિચેલ માર્શની ઈજાને લઈને ચિંતિત છે. હવે ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડે તેની ઈજાને લઈને મોટું અપડેટ આપ્યું છે.
IPL દરમિયાન ઈજા થઈ હતી
એન્ડ્રુ મેકડોનાલ્ડના મતે આ સ્ટાર ખેલાડી T20 વર્લ્ડકપ માટે ફિટ થવાની આશા છે. કોચનું કહેવું છે કે મિચેલ માર્શ ઓસ્ટ્રેલિયાની પ્રથમ મેચ પહેલા ફિટ થઈ શકે છે. જો કે, માર્શ હાલમાં તેની વાપસીને લઈને સમયરેખાથી પાછળ ચાલી રહ્યો છે. જેના કારણે ઓસ્ટ્રેલિયાની ચિંતા વધી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ 5 જૂને ઓમાન સામે વર્લ્ડકપની પોતાની પ્રથમ મેચ રમવાની છે. માર્શને IPLમાં હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. આ પછી તેણે IPL અધવચ્ચે છોડવી પડી હતી. આ પછી તેને રિહેબ માટે પોતાના દેશ પરત ફરવું પડ્યું હતું.
બોલિંગથી દૂર રહેવું પડશે
આ દિવસોમાં માર્શ નેશનલ ક્રિકેટ સેન્ટરમાં તૈયારી કરી રહ્યો છે. હાલમાં જ તે નેટ્સ પર બેટિંગ કરતો જોવા મળ્યો હતો. કોચે કહ્યું કે તેણે લગભગ બે અઠવાડિયા સુધી બોલિંગથી દૂર રહેવું પડશે. જોકે, તેની રિકવરી અપેક્ષા કરતાં થોડી ધીમી છે. લગભગ એક મહિના પછી ઓસ્ટ્રેલિયાની પ્રથમ મેચ છે. તેથી તેની પાસે પુષ્કળ સમય છે.
મેકડોનાલ્ડે એમ પણ કહ્યું કે માર્શને આરામ આપવામાં આવશે નહીં, પરંતુ જરૂર પડ્યે ઓસ્ટ્રેલિયા પાસે કેપ્ટનશિપના ઘણા વિકલ્પો છે. ઓસ્ટ્રેલિયા પાસે મેથ્યુ વેડ, પેટ કમિન્સ જેવા વિકલ્પો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ T20 વર્લ્ડ કપના ગ્રુપ Bમાં છે. જેમાં ઈંગ્લેન્ડ, ઓમાન, નામિબિયા અને સ્કોટલેન્ડ જેવી ટીમ સામેલ છે.
ઓસ્ટ્રેલિયાની ટીમ
મિચેલ માર્શ (કેપ્ટન), એશ્ટન અગર, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર, પેટ કમિન્સ, ટિમ ડેવિડ, નાથન એલિસ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ગ્લેન મેક્સવેલ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, એડમ ઝમ્પા.