- T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે
- પાકિસ્તાન ટીમની કમાન બાબર આઝમના હાથમાં
- એબી ડી વિલિયર્સે બાબર આઝમનું સમર્થન કર્યું
પાકિસ્તાન ક્રિકેટ ટીમ T20 વર્લ્ડકપ 2024 માટે આજે અમેરિકા પહોંચી છે. ફરી એકવાર પાકિસ્તાન ક્રિકેટ ટીમની કમાન બાબર આઝમના હાથમાં છે. યૂઝર્સ અવારનવાર સોશિયલ મીડિયા પર બાબર આઝમની અંગ્રેજીની મજાક ઉડાવતા જોવા મળે છે. આવું જ કંઈક ફરી એકવાર જોવા મળ્યું પરંતુ આ વખતે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર એબી ડી વિલિયર્સ યુઝર્સની બોલતી બંધ કરી દીધી અને બાબર આઝમનું સમર્થન કર્યું. વાસ્તવમાં એબી ડી વિલિયર્સે પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમને પોતાની યુટ્યુબ ચેનલ પર વાતચીત માટે બોલાવ્યા હતા.
યુઝર્સે બાબરની મજાક ઉડાવી
વાસ્તવમાં, જ્યારે બાબર આઝમ યુટ્યુબ પર એબી ડી વિલિયર્સ સાથે ચેટ કરી રહ્યા હતા, ત્યારે એક યુઝરે વીડિયોની કોમેન્ટમાં લખ્યું કે એબીડી ભાગ્યે જ પોતાના હાસ્યને કાબૂમાં રાખી શક્યો હતો અને બાબર અંગ્રેજીમાં વાત કરી રહ્યો હતો. આ પછી ડી વિલિયર્સે યુઝરને ચુપ કરી દીધો અને લખ્યું કે તેની અંગ્રેજી મારી ઉર્દૂ કરતા ઘણી સારી છે. મારા મતે તેની શાનદાર બેટિંગ વધુ મહત્વની છે.
આ દરમિયાન બાબરે ડી વિલિયર્સ સાથેના બાળપણની કેટલીક યાદો વિશે પણ વાત કરી હતી. બાબરે કહ્યું કે અમારો પરિવાર એકદમ સાદો હતો અને મારા કરિયરમાં મારા માતા-પિતાએ મહત્વની ભૂમિકા ભજવી છે. જ્યારે મેં મારા પિતાને ક્રિકેટ રમવા માટે કહ્યું તો તેમણે મને ના પાડી હતી.

બાબર વર્લ્ડકપમાં રમતા જોવા મળશે
ODI વર્લ્ડકપ 2023માં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન બાદ બાબર આઝમને સુકાનીપદેથી હટાવી દેવામાં આવ્યો હતો. જે બાદ શાહીન આફ્રિદીને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ પછી આફ્રિદીની કેપ્ટનશીપમાં પાકિસ્તાનની ટીમને ન્યૂઝીલેન્ડના હાથે T20 સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ T20 વર્લ્ડકપ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ફરી એકવાર બાબર આઝમને કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો હતો. હવે પાકિસ્તાન 6 જૂનથી વર્લ્ડકપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની પ્રથમ મેચ યુએસએ સાથે થશે.