- મિલર આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી
- મિલરને એક ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે
- ડેવિડ મિલરે ઈંગ્લેન્ડ સામેની મેચમાં કર્યું હતું ઉલ્લંઘન
સાઉથ આફ્રિકાએ T20 વર્લ્ડકપમાં તેની બીજી સુપર-8 મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. આ મેચ જીતીને સાઉથ આફ્રિકાએ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં ICCએ સાઉથ આફ્રિકાના સ્ટાર ખેલાડીને સજા કરી છે. આ ખેલાડીને ICCની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. જે બાદ ICCએ આ ખેલાડી વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
ડેવિડ મિલર દોષી
ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં ડેવિડ મિલરે અમ્પાયરના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. જેના કારણે મિલરને ICC આચાર સંહિતાની કલમ 2.8નું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. એટલું જ નહીં, મિલરને એક ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ એક નિવેદન જારી કરીને આ વાતની પુષ્ટિ કરી છે. ICCએ કહ્યું કે સાઉથ આફ્રિકાના ખેલાડી ડેવિડ મિલરને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી મેચમાં ICC આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે, જેના કારણે ખેલાડીને ઠપકો આપવામાં આવ્યો છે.
આ ઘટના 19મી ઓવરમાં બની હતી
ઈંગ્લેન્ડ તરફથી સેમ કરન 19મી ઓવર ફેંકી રહ્યો હતો. ડેવિડ મિલરે સેમ કરન તરફથી ફુલ ટોસ બોલ રમ્યો હતો. જેના પર મિલરે નો બોલની માંગણી કરી હતી. જે બાદ અમ્પાયરે તેને નો બોલ જાહેર કર્યો ન હતો. જે બાદ મિલરે પણ અમ્પાયરના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. ડેવિડ મિલર પર આ આરોપ ફિલ્ડ અમ્પાયર ક્રિસ બ્રાઉન અને શરાફુદ્દૌલા શાહિદ અને થર્ડ અમ્પાયર જોએલ વિલ્સન દ્વારા લગાવવામાં આવ્યો હતો, ત્યારબાદ મિલરે પણ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.