- ભારતે સાઉથ આફ્રિકાને હરાવીને બન્યું વર્લ્ડ ચેમ્પિયન
- ભારતે પ્રથમ બેટિંગ કરતા 176 રન બનાવ્યા હતા
- આ મેચમાં સમગ્ર ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું
કરોડો ભારતીયોની પ્રાર્થના આખરે ફળી અને ટીમ ઈન્ડિયાનું વર્લ્ડકપ જીતવાનું સપનું પૂરું થયું. શનિવારે સાઉથ આફ્રિકા સામે રમાયેલી T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ 7 રનથી શાનદાર જીત નોંધાવીને વર્લ્ડકપ જીત્યો હતો. આખરે 10 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાએ ફાઈનલ જીતીને સાબિત કરી દીધું કે તે વિશ્વની નંબર-1 ટીમ છે. જો કે આ મેચમાં સમગ્ર ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ આ જીતમાં પાંચ ખેલાડીઓનો મોટો ફાળો હતો.
વિરાટ કોહલી
ફાઇનલમાં વિરાટ કોહલી ફરી એક વખત મોટો મેચ વિનર સાબિત થયો. રોહિત શર્માના આઉટ થયા બાદ વિરાટ કોહલી અડગ રહ્યો. કોહલીએ 19મી ઓવર સુધી બેટિંગ કરી અને 59 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 76 રન બનાવીને પરત ફર્યો. જાણે કે કોહલીએ આ શાનદાર ઇનિંગને માત્ર ફાઇનલ માટે જ બચાવી રાખી હતી. તેની શાનદાર બેટિંગના કારણે ટીમ ઈન્ડિયાએ આ મેચમાં 176 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.
અક્ષર પટેલ
વિરાટની સાથે, અક્ષર પટેલ બીજા છેડે શાનદાર પ્રદર્શન કર્યું. પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા અક્ષરે ગગનચૂંબી સિકસર ફટકારીને સાઉથ આફ્રિકાના બોલરોને ઘૂંટણિયે લાવ્યા હતા. અક્ષરે 31 બોલમાં 1 ફોર અને 4 સિક્સર ફટકારીને 47 રન બનાવ્યા હતા. જો કે તે બોલિંગમાં થોડો મોંઘો સાબિત થયો, પરંતુ ટ્રિસ્ટન સ્ટબ્સની મોટી વિકેટ લીધી હતી.
જસપ્રીત બુમરાહ
જસપ્રીત બુમરાહ ફરી એકવાર ટીમ ઈન્ડિયા માટે ભરોસાપાત્ર સાબિત થયો છે. જસપ્રીત બુમરાહે 2 વિકેટ લીધી હતી. આ સાથે અર્શદીપ સિંહની 2 વિકેટ અને હાર્દિક પંડ્યાની 3 વિકેટે ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપનો ખિતાબ જીતાડવામાં મદદ કરી હતી.