- ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો
- ભારતે સાઉથ આફ્રિકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું
- હાર બાદ દિગ્ગજ બોલર ડેલ સ્ટેને પોતાની પ્રતિક્રિયા આપી
T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક મેચમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમ આસાનીથી જીત તરફ આગળ વધી રહી હતી પરંતુ છેલ્લી 5 ઓવરમાં મેચની દિશા બદલાઈ ગઈ અને ભારતીય ટીમે હારેલી રમત જીતી લીધી હતી.
આ જીત બાદ ટીમ ઈન્ડિયા T20 ક્રિકેટની નવી ચેમ્પિયન બની છે. આ સાથે જ સાઉથ આફ્રિકાનું પ્રથમ વખત વર્લ્ડકપ જીતવાનું સપનું પણ છેલ્લી ઘડીએ સમાપ્ત થઈ ગયું. હવે આ મેચના ટર્નિંગ પોઈન્ટ પર સાઉથ આફ્રિકાના દિગ્ગજ બોલર ડેલ સ્ટેને પોતાની પ્રતિક્રિયા આપી છે.
ડેલ સ્ટેને શું કહ્યું?
ડેલ સ્ટેને કહ્યું કે 'એક સમયે ટીમ ઈન્ડિયા પાવરપ્લેમાં 2 વિકેટથી આગળ હતી, પરંતુ સાઉથ આફ્રિકાએ સારી પાર્ટનરશિપ કરીને વાપસી કરી અને પછી જસપ્રિત બુમરાહની ઓવર અને સૂર્યકુમાર યાદવના કેચે મેચની દિશા બદલી નાખી હતી, હેનરિક ક્લાસેન બેટિંગ કરી રહ્યો હતો ત્યાં સુધી સાઉથ આફ્રિકા મેચમાં હતું પરંતુ ક્લાસેનની વિકેટ પડી જતાં સાઉથ આફ્રિકા દબાણમાં આવી ગયું હતું.
મેચ હાર્યા પણ દિલ જીતવામાં સફળ રહ્યા
ડેલ સ્ટેને કહ્યું કે ભલે સાઉથ આફ્રિકા મેચ હારી ગયું પરંતુ અમે ફેન્સનું દિલ જીતવામાં સફળ રહ્યા હતા. ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી હતી અને સમગ્ર ટુર્નામેન્ટમાં અપરાજિત રહી હતી. ફાઇનલ મેચ ખૂબ જ તણાવપૂર્ણ હતી પરંતુ મેચ ખૂબ જ સારી રહી હતી. ક્યારેક સાઉથ આફ્રિકા મેચમાં આગળ હતું તો ક્યારેક ભારત, પરંતુ બુમરાહે અંતિમ ક્ષણે મેચનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખ્યો હતો.
કમનસીબે ચેમ્પિયન ન બની શક્યા
સ્ટેને વધુમાં કહ્યું કે સાઉથ આફ્રિકાએ શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું. ફાઇનલમાં પહોંચવું શાનદાર રહ્યું. ટીમ ચેમ્પિયન બની શકી હોત પરંતુ કમનસીબે અમે તેમ ન કરી શક્યા. ફાઈનલ મેચનો ઉત્સાહ ચરમસીમાએ હતો. થોડા સમય માટે એવું લાગતું હતું કે ભારત સરળતાથી જીતી જશે પરંતુ ત્યારબાદ સાઉથ આફ્રિકાએ વાપસી કરી. ત્યારે લાગતું હતું કે સાઉથ આફ્રિકા સરળતાથી જીતી જશે પરંતુ એક જ ક્ષણમાં બધું બદલાઈ ગયું. દરેક ચાહક ઇચ્છે છે કે મેચનો રોમાંચ આવો હોય. આ દિવસે ફાઇનલ જીતવી જરૂરી હતી.