• 13.3 ઓવરની બેટિંગ કરી અને 44 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને 52 રન બનાવ્યા
  • 2022 ડેઝર્ટ કપ T-20 શ્રેણીમાં ઓમાન સામે ધમાકેદાર સદી ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો
  • એરોને 69 બોલમાં અણનમ 109 રન ફટકાર્યા હતા

T20 વર્લ્ડ કપમાં મંગળવારે પાકિસ્તાન અને કેનેડા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં કેનેડાએ જોરદાર શરૂઆત કરી હતી, પરંતુ બાદમાં પાકિસ્તાનના બોલરોએ ટીમને ઘૂંટણિયે લાવી દીધી હતી. આ મેચમાં કેનેડાની ટીમ 20 ઓવરમાં માત્ર 106 રન જ બનાવી શકી હતી, પરંતુ તેના બેટ્સમેન એરોન જોન્સને દિલ જીતી લેનારી ઇનિંગ રમી હતી. એરોન ઓપનિંગ કરવા માટે બહાર આવ્યો અને વિકેટ પડવાની વચ્ચે પણ યોદ્ધાની જેમ ઊભો રહ્યો.

એરોને શાનદાર ફિફ્ટી ફટકારી હતી. તેણે 13.3 ઓવરની બેટિંગ કરી અને 44 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને 52 રન બનાવ્યા. શાહીન આફ્રિદીની પ્રથમ ઓવરમાં બેક ટુ બેક ચોગ્ગા ફટકારીને એરોને તેની સ્ટાઇલિશ બેટિંગનું પ્રદર્શન કરીને ક્રિકેટ પ્રેમીઓનું દિલ જીતી લીધું હતું. ચાલો જાણીએ કોણ છે એરોન જોન્સન...

એરોન જોન્સને ઝડપી સદી ફટકારી

એરોન જોન્સનનો જન્મ જમૈકામાં થયો હતો. તેણે 2022માં કેનેડા તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. જમણા હાથના બેટ્સમેન કેનેડા માટે ઓપનિંગ કરે છે. એરોન તેના કિશોરવયના વર્ષોમાં તેના પરિવાર સાથે કેનેડા ગયો હતો. તે આલ્બર્ટાના ફોર્ટ મેકમુરેમાં તેના પરિવાર સાથે રહે છે. એરોનની આ પહેલી મોટી સિદ્ધિ નથી, આ પહેલા પણ તે ઘણી વખત પોતાના પ્રદર્શનથી ચોંકાવી ચૂક્યો છે. તેણે 2022 ડેઝર્ટ કપ T-20 શ્રેણીમાં ઓમાન સામે ધમાકેદાર સદી ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો. એરોને 69 બોલમાં અણનમ 109 રન ફટકાર્યા હતા. T-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કેનેડિયન બેટ્સમેને બનાવેલા સર્વોચ્ચ સ્કોરનો પણ આ રેકોર્ડ છે.

કેનેડાને 163 રનથી જીત અપાવી

જ્હોન્સન 3 ઓક્ટોબર 2023ના રોજ પનામા સામે ICC T20 વર્લ્ડ કપ અમેરિકા રિજન ફાઇનલમાં રમ્યો હતો. તેણે 59 બોલમાં 205.08ના સ્ટ્રાઈક રેટ અને 6 ચોગ્ગા અને 11 છગ્ગાની મદદથી 121 અણનમ રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. કેનેડાની 163 રનની જંગી જીતમાં તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તેની મેમાં વર્લ્ડ કપ માટે પસંદગી કરવામાં આવી હતી. એરોને અત્યાર સુધી 18 T-20 ઇન્ટરનેશનલ મેચોની 18 ઇનિંગ્સમાં 46.87ની એવરેજ અને 164.11ની સ્ટ્રાઇક રેટથી 750 રન બનાવ્યા છે. જેમાં 2 સદી અને 5 અડધી સદી સામેલ છે. એરોને વનડેમાં 12 મેચમાં 303 રન બનાવ્યા છે.


  • Follow us on: