- T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાનની ખરાબ શરૂઆત
- અત્યાર સુધી ટીમ બે મેચ રમી છે અને બંને મેચમાં હાર
- મલિકે બાબર આઝમની કેપ્ટનશિપ પર ઉઠાવ્યા સવાલ
વર્લ્ડકપમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમની હાલત ફરી એકવાર ખરાબ થતી જોવા મળી રહી છે. ટુર્નામેન્ટમાં અત્યાર સુધી ટીમ બે મેચ રમી છે અને બાબરની ટીમને બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જે બાદ હવે ટીમના કેપ્ટન બાબર આઝમ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટર બાબર આઝમને કેપ્ટનશિપ છોડવા માટે કહી રહ્યો છે. કેટલાક પૂર્વ ક્રિકેટરોનું માનવું છે કે જો બાબર સારૂ પ્રદર્શન કરવા માંગતો હોય તો તેણે પાકિસ્તાન ટીમની કેપ્ટનશીપ છોડી દેવી જોઈએ.
કેપ્ટનશિપ પર ઉઠાવ્યા સવાલ
આ વર્લ્ડકપમાં અત્યાર સુધી બાબર આઝમ બેટિંગમાં કંઈ ખાસ કરી શક્યો નથી. તેની કેપ્ટન્સી અને બેટિંગ સ્ટ્રાઈક રેટને લઈને પણ ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. ભારત સામેની હાર બાદ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ મલિકે કહ્યું કે હું ઘણા સમયથી કહી રહ્યો છું કે બાબરને કેપ્ટન ન બનવું જોઈએ. તેણે વધુમાં કહ્યું કે, બાબર આઝમ ઉચ્ચ કક્ષાનો બેટ્સમેન છે પણ તે સારુ પ્રદર્શન ત્યારે કરી શકશે જ્યારે તેના પર કેપ્ટનશિપની જવાબદારી નહીં હોય.
વર્લ્ડકપ 2024 પહેલા કેપ્ટન બનાવવામાં આવ્યો હતો
બાબર આઝમને ફરીથી પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ODI વર્લ્ડકપ 2023માં પાકિસ્તાની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, જે બાદ બાબરે ટીમની કેપ્ટન્સી છોડી દીધી હતી. બાબર બાદ શાહીન આફ્રિદીને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેમની કેપ્ટનશીપમાં પાકિસ્તાની ટીમે સિરીઝ રમી અને તેમાં હારનો સામનો કરવો પડ્યો. T20 વર્લ્ડકપ પહેલા બાબર આઝમને ફરી એકવાર ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે, બાબરને ફરીથી ટીમનો કેપ્ટન બનાવવામાં આવતા ભારે હોબાળો થયો હતો.