- ભારતે ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 7 રને હરાવ્યું
- રાહુલ દ્રવિડની હેડ કોચ તરીકે આ છેલ્લી મેચ હતી
- વર્લ્ડકપ ફાઈનલ બાદ BCCI પ્રમુખનું મોટું નિવેદન
T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ હતી, જેમાં જીત મેળવીને ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપનો ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો. રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાની આ છેલ્લી મેચ હતી. હવે ટીમ ઈન્ડિયાને નવો હેડ કોચ મળવા જઈ રહ્યા છે. BCCI કોઈપણ સમયે હેડ કોચ માટે પૂર્વ ભારતીય દિગ્ગજ ગૌતમ ગંભીરના નામની જાહેરાત કરી શકે છે. વર્લ્ડકપ ફાઈનલ બાદ BCCI પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું છે.
ગૌતમ ગંભીર બનશે નવા મુખ્ય કોચ!
ભારતીય ટીમની જીત બાદ બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્નીએ કહ્યું કે ગૌતમ ગંભીર પાસે ઘણો અનુભવ છે. જો તે ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બને છે તો તે ભારતીય ક્રિકેટ માટે સારી વાત હશે. ભારતને એવા કોચની જરૂર છે જે ખૂબ જ અનુભવી હોય અને જે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ રમ્યા હોય. જોકે, BCCIએ હજુ સત્તાવાર રીતે નવા હેડ કોચની જાહેરાત કરી નથી. જોકે, BCCIએ પહેલાથી જ ગંભીરનો ઈન્ટરવ્યુ લઈ લીધો છે અને ગૌતમ ગંભીર દ્વારા મુકવામાં આવેલી તમામ શરતોને સ્વીકારી લીધી છે.
રોહિત-વિરાટે T20Iમાંથી લીધી નિવૃત્તિ
વર્લ્ડકપ જીત્યા બાદ વિરાટ કોહલીએ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતતા T20I ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિતે પણ T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. આ અંગે રોજર બિન્નીએ કહ્યું કે ટોચના ખેલાડીઓની જગ્યાએ યુવા ખેલાડીઓને સ્થાન આપવું ઘણું મુશ્કેલ હશે. પરંતુ અમે આશા રાખીએ છીએ કે ટીમને એવા યુવા ક્રિકેટરો મળશે જે રોહિત અને વિરાટની જેમ કામ કરી શકે.