• સુપર-8 મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 47 રનથી હરાવ્યું
  • મેચ બાદ રોહિત શર્માએ ટીમના વખાણ કર્યા હતા
  • હું ત્રણ ઝડપી બોલરોને તક આપવા તૈયાર છું: રોહિત શર્મા

ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચમાં 47 રનથી શાનદાર જીત નોંધાવી હતી. T20 વર્લ્ડકપના સુપર-8 તબક્કામાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતીય ટીમના બેટ્સમેનોએ 181 રન બનાવ્યા હતા. જેનો પીછો કરતા અફઘાનિસ્તાનની ટીમ માત્ર 134 રન જ બનાવી શકી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહે 3-3 વિકેટ લીધી હતી.

વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચ રમવા આવેલા કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરી હતી અને 2 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાને એક-એક વિકેટ મળી હતી. કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં કુલદીપને સ્થાન આપીને મોહમ્મદ સિરાજને બહાર બેસાડ્યો હતો. હવે રોહિતે સંકેત આપ્યો છે કે જો જરૂર પડશે તો તે ત્રણ સ્પિનરો સાથે જવાને બદલે ફાસ્ટ બોલરોને સ્થાન આપશે.

સૂર્યા અને હાર્દિકના કર્યા વખાણ

રોહિત શર્માએ મેચ બાદ કહ્યું- અમે છેલ્લા બે વર્ષથી અહીં T20 ઈન્ટરનેશનલ રમી રહ્યા છીએ. અમને ખબર છે અહીંની પરિસ્થિતિ અંગે સારી એવી જાણકારી છે. અમે તે મુજબ આયોજન કર્યું છે. બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરીને 181 રન બનાવ્યા હતા. આ પછી શ્રેષ્ઠ બોલરોએ તેનો સારી રીતે બચાવ કર્યો. દરેકે પોતાની જવાબદારી નિભાવી. સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ મહત્વપૂર્ણ પાર્ટનરશિપ કરી હતી.

જો જરૂરી હોય તો બદલવા માટે તૈયાર

બુમરાહના વખાણ કરતા રોહિતે કહ્યું- આપણે બધા જાણીએ છીએ કે બુમરાહ શું કરી શકે છે. તે કોઈપણ પરિસ્થિતિમાં જવાબદારી લેવા તૈયાર છે. તે વર્ષોથી આવું કરી રહ્યો છે. ત્રણ સ્પિનરોના સંયોજન પર રોહિતે કહ્યું- અમારે સંજોગો અને વિરોધી ટીમનું મૂલ્યાંકન કરવું પડશે. તેના આધારે અમે જરૂર પડ્યે ફેરફાર કરવા તૈયાર છીએ. અહીંની પરિસ્થિતિ અનુસાર અમને લાગ્યું કે ત્રણ સ્પિનરો સારા રહેશે. જો વધુ જરૂર પડશે તો હું ત્રણ ઝડપી બોલરોને તક આપવા તૈયાર છું. આનો અર્થ એ થયો કે શક્ય છે કે ફાસ્ટ બોલરના આવવાથી સ્પિનરને બહાર બેસવું પડે.

  • Follow us on: