- આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચ ભારતે જીતી હતી
- દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમને સાત રનથી હરાવીને બીજી વખત વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો
- ટીમ ઈન્ડિયાનું ભારતમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું છે
આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચ 29 જૂને રમાઈ હતી. આ મેચમાં, ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમને સાત રનથી હરાવીને બીજી વખત આઈસીસી ટી20 વર્લ્ડ કપનો ખિતાબ કબજે કર્યો છે. ટીમ ઈન્ડિયાનું તેના વતન ભારતમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયા આજે સવારે 6:09 વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી હતી. ટીમ ઈન્ડિયા એરપોર્ટથી સીધી હોટલ પહોંચી.
ભારતીય ટીમ પહેલા પીએમ મોદીને મળી
આ પછી ટીમ ઈન્ડિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચી હતી. હાલમાં સેલિબ્રેશનનો કાર્યક્રમ મુંબઈમાં ચાલી રહ્યો છે. જ્યાં ભારતીય ટીમ ખુલ્લી બસમાં સવાર થઈને રોડ શો કરી રહી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ફેન્સ વાનખેડે સ્ટેડિયમ પહોંચી ગયા છે. ફેન્સ રોહિત શર્માના નામના નારા પણ લગાવી રહ્યા છે. એરપોર્ટની બહાર હજારો ફેન્સની ભીડ જોવા મળી હતી. ભારતીય ટીમના ખેલાડીઓ મરીન ડ્રાઈવ પર ખુલ્લી બસમાં સવાર થઈ ગયા છે. ટીમ ઈન્ડિયા મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ તરફ આગળ વધી રહી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી એકસાથે ટ્રોફી ઉઠાવતા જોવા મળ્યા હતા.
રોડ શોમાં જોવા મળી રોહિત-કોહલીની જુગલબંધી
મુંબઈમાં ચાલી રહેલા રોડ શો દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન કોહલી પણ ખુશીમાં ડાન્સ કરતો જોવા મળ્યો હતો. રોહિતે કોહલી સાથે મળીને ફેન્સની સામે ટ્રોફી ઉપાડી જેના કારણે ત્યાં હાજર લોકોનો ઉત્સાહ આસમાને પહોંચી ગયો. આ દરમિયાન ભારતીય ટીમના અન્ય ખેલાડીઓએ પણ રોહિત અને કોહલીને પ્રોત્સાહિત કર્યા હતા.
બસ પર ખેલાડીઓએ કર્યો ડાન્સ
રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા સહિત ઘણા ખેલાડીઓ બસમાં ડાન્સ કરીને જીતની ઉજવણી કરી રહ્યા છે.
વાનખેડે સ્ટેડિયમ પહોંચી ભારતીય ટીમ
મરીન ડ્રાઈવથી શરૂ થયેલો રોડ શો હવે વાનખેડે સ્ટેડિયમ સુધી પહોંચી ગયો છે. આ રોડ શોમાં અંદાજે 3 લાખથી વધુ જોડાયા હતા. ભારતીય ટીમ મરીન ડ્રાઈવથી રોડ શો કાઢીને વાનખેડે સ્ટેડિયમ પહોંચી છે. BCCI વાનખેડે ખાતે વિશ્વ વિજેતા ટીમના ખેલાડીઓનું સન્માન કરશે. BCCIએ ટીમ માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી દીધી હતી. વાનખેડે સ્ટેડિયમમાં પણ ચાહકોની ભારે ભીડ છે.
Image - X