- નેધરલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ
- ઓટનીલ બાર્ટમેનની સામે નેધરલેન્ડની ટીમ ઘુટણીએ
- ઓટનીલે 4 ઓવરમાં 11 રન આપીને 4 વિકેટ લીધી
T20 વર્લ્ડ મેચો ખૂબ જ રોમાંચક બની રહી છે. નેધરલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. શનિવારે રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાના બોલર ઓટનીલ બાર્ટમેને પ્રથમ બેટિંગ કરવા આવેલી નેધરલેન્ડની ટીમને તબાહ કરી નાખી હતી. ઓટનીલે 4 ઓવરમાં 2.75ની ઈકોનોમી સાથે 11 રન આપીને 4 વિકેટ લીધી હતી. તેણે મેક્સ ઓ'દાઉડ, સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ, લોગાન વાન બીક અને ટિમ પ્રિંગલને પેવેલિયન મોકલ્યા હતા. ઓટનીલની ઘાતક બોલિંગના કારણે નેધરલેન્ડની ટીમ 20 ઓવરમાં માત્ર 103 રન જ બનાવી શકી હતી.
કોણ છે ઓટનીલ બાર્ટમેન?
ઓટનીલ બાર્ટમેન, જેણે મે 2024માં વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યુ કર્યું હતું, તે જમણા હાથનો મધ્યમ ઝડપી બોલર છે.ઓટનીલ બાર્ટમેન અત્યાર સુધી માત્ર 2 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. જેમાં તેણે 4 વિકેટ ઝડપી છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની ડેબ્યૂ મેચમાં 3 વિકેટ ઝડપી હતી. T20 ઇન્ટરનેશનલમાં ધમાકેદાર એન્ટ્રી કરનાર બાર્ટમેન 2023 પછી SA લીગમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
3 મેચમાં 8 વિકેટ લીધી
સાઉથ આફ્રિકાને તેની પ્રતિભાનો અહેસાસ થઈ ચૂક્યો હતો. હવે તેણે વર્લ્ડકપમાં પણ પોતાની પ્રતિભા સાબિત કરી છે. બાર્ટમેનના નામે માત્ર 3 મેચમાં 8 વિકેટ છે. બાર્ટમેન SA20 લીગમાં સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપનો ખેલાડી છે. તેના નામે 40 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 109 વિકેટ છે. જ્યારે લિસ્ટ Aની 42 મેચોમાં 61 વિકેટ અને T20ની 72 મેચોમાં 102 વિકેટ ઝડપી છે. ઓટનીલ ઉપરાંત એનરિક નોર્કિયા પણ આ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે માર્કો યાન્સને 4 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ લીધી હતી. કેશવ મહારાજ અને કાગીસો રબાડાએ પણ સારી બોલિંગ કરી હતી, પરંતુ તેમને કોઈ વિકેટ મળી ન હતી.
નેધરલેન્ડ ગ્રુપ ડીમાં સામેલ
નેધરલેન્ડની ટીમ ગ્રુપ-ડીમાં સામેલ છે. જેમાં સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાની ટીમો છે. આ ગ્રુપમાં ગળાકાપ સ્પર્ધા છે. સાઉથ આફ્રિકા, નેધરલેન્ડ અને બાંગ્લાદેશે એક-એક મેચ જીતી છે. ત્રણ ટીમોના 2 પોઈન્ટ છે. જોકે નેટ રન રેટના મામલે સાઉથ આફ્રિકાની ટીમ ટોપ પર છે.